GUJARATKUTCHMANDAVI

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી બાદ હવે સાવન સાંભળી શકે છે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા ,તા-૧૪ ફેબ્રુઆરી : મુન્દ્રા તાલુકાના પાવડીયારા વાડી વિસ્તારના રહેવાસી ઠાકોર દેવાભાઈના દીકરા સાવનનો જન્મ મૂકબધિરની ક્ષતિ સાથે થયો હતો. જન્મથી જ સાવન સાંભળવાની શક્તિ ધરાવતો ન હોય તેની જાણ આશાવર્કરને થતા જ તેમણે કચ્છ જિલ્લાની આરોગ્ય વિભાગની રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમની ટીમનો સંપર્ક કર્યો હતો. આર.બી.એસ.કે ટીમે વાડી વિસ્તારમાં રહેતા પરિવારના બાળકની મુલાકાત લઈને પ્રાથમિક તપાસ કરી હતી. આ તપાસમાં સાવન મૂકબધિર હોવાનું જણાઈ આવતા આર.બી.એસ.કેની ટીમે માતાપિતાને સમજાવીને સાવનની સારવાર કરાવવા માટે સમજણ આપી હતી. માતાપિતા સારવાર કરાવવા રાજી ન હોય આર.બી.એસ.કેની ટીમે નિશુલ્ક સારવાર સાથે તમામ મદદ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે અને સાવન સાંભળતો થઈ જશે એમ ખાતરી આપી હતી. જે બાદ પરિવાર સાવનની સારવાર માટે સમંત થયો હતો. કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મિતેષ ભંડેરીના માર્ગદર્શન હેઠળ આર.બી.એસ.કે.ના ડૉ. સંજય યોગી, તાલુકા આર.બી.એસ.કે નોડલ અને ડૉ.અવની બેન્કર, ફાર્માસિસ્ટ વિપુલ સોરઠીયાએ વિનાવિલંબે તપાસ કરાવીને સાવનને કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી માટે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે શિફ્ટ કર્યો હતો. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નિષ્ણાત ડૉક્ટર્સ દ્વારા સાવનની કોકલિયર ઈમ્પ્લાન્ટની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, જન્મજાત મૂક-બધિરતા ધરાવતા બાળકમાં શ્રવણશક્તિ માટેના ઓપરેશનમાં ઉપયોગમાં લેવામાં આવતા કોકલિયર ઈમ્પ્લાન્ટ ખૂબ જ મોંઘો હોય છે, જે સરકારશ્રી દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વિનામૂલ્યે લગાવવામાં આવેલ છે. ચાર વર્ષનો સાવન હવે માતા-પિતાની વાતો સાંભળી શકે છે અને સ્પીચ થેરેપીના કોર્સ પછી વ્યવસ્થિત ઉચ્ચારણ પણ કરી શકશે. સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે ઓપરેશન બાદ સાવનની શ્રવણશક્તિ પરત આવતા માતા-પિતાએ રાજ્ય સરકાર અને જિલ્લા આરોગ્ય ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!