શિક્ષક બનવાનું સ્વપ્ન જોતા હજારો TAT પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કર્યું.

ગુજરાતમાં શિક્ષક બનવાનું સ્વપ્ન જોતા હજારો TAT પાસ ઉમેદવારોએ આજે ગાંધીનગરમાં તેમની પડતર માંગણીઓને લઈને ઉગ્ર આંદોલન કર્યું. છેલ્લા દસ વર્ષથી ભરતીની રાહ જોઈ રહેલા આ ઉમેદવારોએ તાત્કાલિક ધોરણે શિક્ષણ સહાયકની ભરતીનો બીજો રાઉન્ડ જાહેર કરવાની અને ખાલી જગ્યાઓમાં વધારો કરવાની માંગ કરી છે. ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ગાંધીનગર છોડશે નહીં.
આંદોલન કરી રહેલા ઉમેદવારોએ જણાવ્યું કે, ‘અમારી ઉંમર 40 વર્ષની નજીક પહોંચી ગઈ છે અને આ ભરતી અમારા માટે છેલ્લી તક સમાન છે.’ તેમણે દાવો કર્યો કે રાજ્યમાં શિક્ષકોની પુષ્કળ ખાલી જગ્યાઓ હોવા છતાં ભરતી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે.
શિક્ષણ સહાયક (ધોરણ 9 થી 12) ની ભરતીમાં પ્રથમ રાઉન્ડ પછી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે બીજા રાઉન્ડની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત જૂના શિક્ષકોની બદલી, 31 મે 2025 સુધીમાં નિવૃત્ત થનાર શિક્ષકો અને આચાર્યની ખાલી જગ્યાઓ સહિત અંદાજે 5000 થી વધુ જગ્યાઓ બીજા રાઉન્ડમાં ઉમેરવાની માંગ કરવામાં આવી છે.
ભરતી સમિતિ દ્વારા કેટલાક ઉમેદવારોને બે શાળાઓ ફાળવવામાં આવી હતી, જેના કારણે હાયર સેકન્ડરીમાં અંદાજે 1500 અને માધ્યમિક વિભાગમાં 1400 સહિત કુલ 2900થી વધુ જગ્યાઓ ખાલી પડી છે. ઉમેદવારોએ આ ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવા અને લાયક ઉમેદવારોને ન્યાય આપવાની માંગ કરી છે.
એટલું જ નહી ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારનું નામ, વિષય, કેટેગરી, ફાળવેલ કેટેગરી, માર્ક્સ, જન્મ તારીખ અને શાળાના નામ સહિતની વિગતો સાથે ફાઈનલ ફાળવણી યાદી જાહેર કરવામાં આવે. બીજા રાઉન્ડમાં પણ પ્રથમ રાઉન્ડની જેમ મેરિટના આધારે દરેક કેટેગરીના ઉમેદવારોને જનરલ અને કેટેગરીની સીટ પસંદ કરવાનો વિકલ્પ આપવાની માંગ કરવામાં આવે.
ઉમેદવારોએ જણાવ્યું કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ પ્રત્યે ગંભીરતાથી ધ્યાન નહીં આપે અને નક્કર કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી તેઓ પોતાનું આંદોલન ચાલુ રાખશે. આ મુદ્દે સરકાર કે શિક્ષણ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.






