MORBI:ઘુંટુ ગામની રામકો વિલેજ સોસાયટીના રહીશોની તંત્ર સામે આક્રોશભરી રજૂઆત — પાયાની સુવિધાઓથી વંચિત રહેવાસીઓએ આપી ચક્કાજામની ચીમકી

MORBI:ઘુંટુ ગામની રામકો વિલેજ સોસાયટીના રહીશોની તંત્ર સામે આક્રોશભરી રજૂઆત — પાયાની સુવિધાઓથી વંચિત રહેવાસીઓએ આપી ચક્કાજામની ચીમકી
(મોરબી, તા. ૭ નવેમ્બર) રિપોર્ટર મોહસીન શેખ દ્વારા મોરબી – મોરબી તાલુકાના ઘુંટુ ગામમાં આવેલી રામકો વિલેજ સોસાયટીના રહીશોએ આજે તંત્રની બેદરકારી સામે ઉગ્ર રોષ વ્યક્ત કરતાં ઘુંટુ ગ્રામ પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર સાહેબને લેખિત રજૂઆત કરી છે.
રહીશો દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે —
સોસાયટીની સોંપણી પંચાયતને થયાને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં સોસાયટીમાં ન તો સફાઈ થાય છે, ન તો કચરો ઉઠાવવામાં આવે છે. અગાઉ જે કચરો લેવા માટે ટ્રેક્ટર આવતું હતું, તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પંચાયતના જવાબદારોએ “ટ્રેક્ટર રીપેરીંગમાં છે” અને “ડ્રાઈવર મળતો નથી” જેવા બહાના આપીને રહીશોની ફરિયાદને અવગણના કરી છે.
રહીશોનો આક્ષેપ છે કે સોસાયટીમાં આજદિન સુધી રસ્તા, ગટર, પાણી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી. જેના કારણે વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જાય છે, માખી-મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળો ફેલાવાનો ભય છે. વૃદ્ધો અને બાળકોને રોજિંદા આવન-જાવનમાં તકલીફોનો સામનો કરવો પડે છે.
રહિશોએ વધુમાં જણાવ્યું કે એમ્બ્યુલન્સ કે રિક્ષા પણ સોસાયટીમાં પ્રવેશી શકતી નથી, જેના કારણે તાત્કાલિક સારવાર સમયે ગંભીર જોખમ ઊભું થાય છે. અનેકવાર જિલ્લા અને તાલુકા અધિકારીઓને રજૂઆત કર્યા છતાં આજ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
રામકો વિલેજ સોસાયટીના રહીશોએ ચેતવણી આપી છે કે —
> “જો આગામી આઠ દિવસમાં સોસાયટીમાં રસ્તા-ગટર-પાણી અને સફાઈ જેવી સુવિધાઓ શરૂ ન કરવામાં આવે, તો અમારે નાછૂટકે રસ્તા પર ઉતરી ચક્કાજામ કાર્યક્રમ યોજવો પડશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.”
આ રજૂઆતની નકલ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, જિલ્લા પંચાયત અધિકારી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુધી રવાના કરવામાં આવી છે.રહિશોનો સ્પષ્ટ સંદેશ — “હવે સહન શક્તિનો અંત આવ્યો, તંત્રે તાત્કાલિક પગલાં લેવું જ પડશે.”










