MORBI:મોરબીમાં કોંગ્રેસની ‘જન આક્રોશ સભા’માં મોંઘવારી મુદ્દે ભાજપ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા

MORBI:મોરબીમાં કોંગ્રેસની ‘જન આક્રોશ સભા’માં મોંઘવારી મુદ્દે ભાજપ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા
કુદરત રૂઠી છે અને મંત્રીઓ ખેડૂત ની મજાક ઉડાવી રહ્યા છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા
મોરબીના પંચાસર રોડ ઉપર કોંગ્રેસ દ્વારા “જન આક્રોશ સભા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોરબી અને આસપાસના વિસ્તારોના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, સિરામિક ઉદ્યોગની હાલત અને વધતી મોંઘવારી જેવા લોકજીવનને અસર કરતા મુદ્દાઓને ઉઠાવવાનો હતો. સભાની શરૂઆત મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના ૧૩૫ નિર્દોષ જીવ ગુમાવનારા પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણથી કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ દુર્ઘટનાને “ભ્રષ્ટાચાર કમિશન રાજ”નું પરિણામ ગણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના માટે મોરબી નગરપાલિકાના ૫૨(બાવન) કાઉન્સિલરો જવાબદાર હોવા છતાં આજ સુધી કોઈ સખ્ત કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે “એકાદ બે લોકોને સજા થવાથી ન્યાય નહીં મળે; સાચો ન્યાય ત્યારે જ થશે જ્યારે દરેક જવાબદારને કડક સજા થશે.” ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે દુર્ઘટનાની વેળાએ ભાજપના નેતાઓએ “મગરના આંસુ” સાર્યા હતા અને “ચમરબંધીને પણ નહીં છોડવાની” વાતો કરી હતી, પરંતુ ત્રણ વર્ષ બાદ પણ પીડિત પરિવારોને ન્યાય મળ્યો નથી.
સભામાં સિરામિક ઉદ્યોગના પ્રશ્નો પણ ઉઠાવાયા હતા. કોંગ્રેસે ઉદ્યોગકારો વતી માંગણી કરી કે ટાઇલ્સ પર લાગતો જીએસટી ૧૮%માંથી ઘટાડીને ૫% કરવામાં આવે. અમિત ચાવડાએ ઉલ્લેખ કર્યો કે “રાજસ્થાનમાં માર્બલ ઉપર ૫% જીએસટી હોઈ શકે છે, તો ગુજરાતમાં સિરામિક ઉદ્યોગ માટે આવું કેમ નહીં?” તેમણે વીજળીના ઊંચા બિલ, મોંઘા ગેસ અને કાચામાલના વધેલા ભાવને કારણે ઉદ્યોગકારો પર પડતી આર્થિક મુશ્કેલીઓ અંગે સરકારને ચેતવણી આપી હતી. સભામાં ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો અને વહીવટના ખાડામાં ગયેલા પ્રબંધ અંગે પણ તીખી ટીકા કરવામાં આવી હતી. જન આક્રોશ સભામાં બહોળી સંખ્યામાં નાગરિકો અને કાર્યકરો હાજર રહ્યા હતા. નોંધનીય છે કે આ સભામાં “આપ” અને “ભાજપ”ના કેટલાક સભ્યોએ કોંગ્રેસમાં જોડાઈ નવી રાજકીય હલચલ ઉભી કરી હતી.સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, ધારાસભ્ય મહમદ જાવીદ પીરજાદા, જીવણભાઈ કુંભરવાડિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ વિજય કોટડીયા, માળીયા પ્રમુખ સંદીપ કાલરીયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતિબેન નિરંજની તથા જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.













