MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ખેડૂતોનો ગંભીર આક્ષેપ: મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં વકીલો-અધિકારીઓની સાંઠગાંઠથી ખેડૂતોને અન્યાય થતો હોવાની કલેક્ટરને રજૂઆત

 

MORBI:મોરબીમાં ખેડૂતોનો ગંભીર આક્ષેપ: મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં વકીલો-અધિકારીઓની સાંઠગાંઠથી ખેડૂતોને અન્યાય થતો હોવાની કલેક્ટરને રજૂઆત

 

મોરબી જિલ્લાના આમરણ ગામના ખેડૂતો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને એક લેખિત આવેદન પત્ર પાઠવીને મહેસૂલી તંત્ર અને સ્થાનિક અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ખેડૂતોનો આરોપ છે કે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર બંને જગ્યાએ કેટલાક વકીલો અને વહીવટી અધિકારીઓની મિલીભગત અને સાંઠગાંઠના કારણે ગરીબ ખેડૂતોને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, આમરણ ગામના અરજદારો સર્વે નં. ૭ ના ગુલામ હુસૈન ચીચોદરા, સર્વે નં. ૮ ના અવચરભાઈ સુંદરજીભાઈ જાકાસણીયા અને સર્વે નં. ૬ ના મહેશભાઈ નરશીભાઈ કાસુન્દ્રા દ્વારા આ આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

ખેડૂતોએ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, તેઓએ સર્વે નં. ૩ ના રસ્તાના પ્રશ્ન માટે મામલતદાર એક્ટ મુજબ નીચેની ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સ્થળ સ્થિતિનું પંચરોજકામ સર્કલ ઓફિસર તથા તલાટી કમ મંત્રીની હાજરીમાં અને રૂબરૂ સાક્ષીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આમ છતાં, આ પંચરોજકામને ધ્યાને લીધા વગર રાજકીય અને વ્યવહારિક કારણોસર ખેડૂતોની વિરુદ્ધમાં અન્યાયી ઠરાવ કરવામાં આવ્યો હતો.

આ અન્યાયી હુકમ સામે ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરી હતી. આ કેસ ત્યાં આશરે ૪ થી ૫ મહિના સુધી ચાલ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે જે મુખ્ય અધિકારી પાસે કેસની વિગતવાર માહિતી હતી, તેઓ અંગત કારણોસર રજા પર ઉતરી ગયા હતા. ત્યારબાદ માત્ર ૧૦ દિવસની રજાના ગાળામાં એક મુદતના ઇન્ચાર્જ (ચાર્જમાં) આવેલા અધિકારીએ તમામ પુરાવાઓ અને પંચરોજકામને નજરઅંદાજ કરી, વ્યવહારિક વકીલ સાથે ચર્ચા કરીને ઉતાવળે આ ઠરાવ કરી નાખ્યો છે, જેનાથી ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.

દસ્તાવેજોમાં ઉલ્લેખ છતાં રસ્તો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં

ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે, દસ્તાવેજમાં દિશાની નાની ભૂલના કારણે આવો ઠરાવ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં તેઓએ ભૂતકાળના સુધારા દસ્તાવેજો રજૂ કર્યા છે અને વર્ષ ૧૯૮૮ ના દસ્તાવેજોમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેઓ વર્ષોથી આ રસ્તેથી અવરજવર કરે છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, તેઓ લઘુમતી (નબળી સ્થિતિમાં) હોવાથી તેઓને ખેતર વેચી દેવા માટે રાજકીય પીઠબળ ધરાવતા તત્વો દ્વારા અવારનવાર દબાણ કરવામાં આવી રહ્યું છે.

હાલ ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે ખેડૂતો પાસે પોતાના ખેતરમાં ખેતી કરવા જવા માટે કોઈ રસ્તો બચ્યો નથી. ખેડૂતોએ કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે ગામના રેવન્યુ અધિકારી અથવા સેટેલાઇટ (Satellite) માધ્યમથી તપાસ કરવામાં આવે તો પણ સાચી હકીકત સામે આવી શકે તેમ છે કે આ રસ્તો કેટલા વર્ષો જૂનો છે.

ગરીબ ખેડૂત પરિવારો માત્ર ખેતીકામ કરીને જ પોતાનું ગુજરાન ચલાવે છે. આ સંજોગોમાં ન્યાય ન મળતા મૂંઝવણમાં મુકાયેલા ખેડૂતોએ છેવટે મોરબી જિલ્લા કલેક્ટર સમક્ષ ન્યાયની અપેક્ષા સાથે યોગ્ય તપાસ કરાવી યોગ્ય ન્યાય આપવા માટે લેખિત રજૂઆત કરી છે.

Back to top button
error: Content is protected !!