જંબુસરમાં રખડતા ઢોરનો હુમલો:13 વર્ષીય બાળકી ઈજાગ્રસ્ત, ટીઆરબી જવાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી

સમીર પટેલ, ભરૂચ
જંબુસર શહેરના ટંકારી ભાગોળ વિસ્તારમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે. શાળાએથી ઘરે પરત ફરી રહેલી 13 વર્ષની બાળકી પર રખડતા ઢોરે હુમલો કર્યો છે. સદનસીબે, સ્થળ પર હાજર ટીઆરબી જવાનની સતર્કતાને કારણે બાળકીને તુરંત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હોસ્પિટલ સંચાલકે માનવતાના ધોરણે બાળકીની મફત સારવાર કરી છે.
આ ઘટનાએ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરો રસ્તાઓ પર બેફિકર બનીને ફરતા જોવા મળે છે. આ કારણે વાહન ચાલકો અને રાહદારીઓની સલામતી જોખમમાં મુકાય છે.
ભરૂચ જિલ્લામાં અગાઉ પણ રખડતા ઢોરોના હુમલાના કારણે અનેક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ પણ નિપજ્યા છે. આ ઘટના પછી શહેરના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોએ જંબુસર નગરપાલિકા પાસે રખડતા ઢોરોને પકડવા અને જાહેર માર્ગોને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. લોકોની માગ છે કે નગરપાલિકા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તાત્કાલિક પગલાં લે.




