નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ(પંચાયત )દ્વારા ૧૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
૦૮ જેસીબી, ૧૬ ડમ્પર રોલર અને ૮૪ થી વધુ શ્રમયોગીઓ દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે
જિલ્લાના તમામ નાના-મોટા રસ્તાઓનું મેટલ પેચ તથા ડામર પેચવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી પ્રગતિમાં
નવસારી જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) દ્વારા જિલ્લાના ૧૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. કુલ ૦૮ જેસીબી, ૧૬ ડમ્પર રોલર અને ૮૪ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી ગ્રામીણ માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે, ત્યાં રોડ રિપેરિંગ અને પેચવર્ક કરીને રસ્તાઓને પુનઃ પૂર્વવત્ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ તાલુકાઓમાં અત્યાર સુધીમાં નાના-મોટા તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું મેટલ પેચ તથા ડામર પેચવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જેમાં નવસારી જિલ્લાના છ તાલુકામાં અનુક્રમે ગણદેવીમાં ૧૨.૪૮, ચીખલીમાં ૩૧.૬૭ વાંસદામાં ૪૨.૧૪, ખેરગામમાં ૧૪.૯૩, જલાલપોરમાં ૭૩.૩૯ અને નવસારીમાં ૫.૮૫ કિલોમીટરના ગ્રામીણ માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ
મુખ્યમંત્રીશ્રી દ્વારા નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરવાના દિશાનિર્દેશો અને સૂચનાઓ સંબંધિત વિભાગો અને તમામ જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવી છે.