GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્રના ૪૮ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ગામડાઓની આકસ્મિક મુલાકાતે

MORBI:મોરબી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્રના ૪૮ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ગામડાઓની આકસ્મિક મુલાકાતે

 

 

આરોગ્ય, શિક્ષણ, પોષણ, પીવાના પાણી સહિતની સેવાઓ અને સુવિધાઓની સુલભતા બાબતે ગામડાઓનું તલસ્પર્શી નિરીક્ષણ હાથ ધરાયું

મોરબી જિલ્લામાં વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુથી તા. ૨૫/૦૭/૨૦૨૫ ના રોજ કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે જિલ્લાના ૪૮ ઉચ્ચ અધિકારીશ્રીઓ ગામડાઓની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા છે.

નાગરિકલક્ષી અભિગમ અને છેવાડાના જન-જન સુધી સરકારી યોજનાઓ અને સુવિધાઓની સુલભતા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ અને કટિબધ્ધ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રના ૪૮ અઘિકારીઓ સવાર થતા જ જિલ્લાના વિવિધ ગામડાઓમાં સરકારી સેવાઓ અને પ્રાથમિક સુવિધાઓ બાબતે સાચી સ્થિતિની સમીક્ષા કરવા ગામડાઓમાં પહોંચ્યા છે.

આ મુલાકાત અન્વયે મોરબી તાલુકાના ૧૩, વાંકાનેર તાલુકાના ૧૨, હળવદ તાલુકાના ૯, ટંકારા તાલુકાના ૬ અને માળિયા તાલુકાના ૮ મળી જિલ્લાના કુલ ૪૮ ગામડાઓમાં વહીવટી તંત્રના વર્ગ ૧ અને વર્ગ ૨ ના ઉચ્ચ અધિકારીશ્રીઓએ વિવિધલક્ષી તપાસ હાથ ધરી છે. સવારે ૦૮:૦૦ કલાકથી આરોગ્ય કેન્દ્રોની મુલાકાત કરી આકસ્મિક તપાસની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં આરોગ્ય સ્ટાફની હાજરી દવાના જથ્થાની ઉપલબ્ધતા વગેરેની તપાસ કરવામાં આવી રહી છે.

પશુ દવાખાનામાં પણ પશુ ડોક્ટરની હાજરી, આંગણવાડીમાં સ્ટાફની હાજરી બાળકોની નિયમિતતા તથા બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તા/ભોજનનું નિરીક્ષણ, પંચાયતમાં તલાટી/ગ્રામ સેવક વગેરેની હાજરી અને કામગીરી અને વિવિધ યોજનાઓની અમલવારી, સરકારી શાળાઓમાં શિક્ષકોની નિયમિતતા અને બાળકોની હાજરી તથા મધ્યાહન ભોજન યોજનાની યોગ્ય અમલવારી, સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં સમયસર અનાજ મળે છે કે કેમ તે બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે.

ઉપરાંત ગામડાઓમાં મુલાકાત દરમિયાન પીવાના પાણીની ઉપલબ્ધ સુવિધા અને પડતી મુશ્કેલીઓ, વિધવા પેન્શન સહિતની યોજનાઓની અમલવારી, ગૌશાળાઓમાં ગૌવંશના નિભાવ અંગેની વ્યવસ્થા તથા સાફ-સફાઈ અને ઉપલબ્ધ સુવિધાઓ તથા તેને સંલગ્ન ગૌમાતા પોષણ યોજનાની અમલવારી, મોડલ ફાર્મની મુલાકાત સહિતની બાબતોનું તલસ્પર્શી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!