MORBI:મોરબીમાં ટ્રાફિક પોલીસ હરકતમાં: નિયમભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી.







MORBI:મોરબીમાં ટ્રાફિક પોલીસ હરકતમાં: નિયમભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી


રીપોટર મોહસીન શેખ – મોરબી: શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા અને માર્ગ અકસ્માતોને અટકાવવા માટે મોરબી પોલીસ તંત્ર દ્વારા વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ તેમજ ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા નિયમભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. ડી.પી. ઠક્કર અને તેમની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા કાળા કાચ (બ્લેક ફિલ્મ), આરટીઓ દ્વારા મંજૂર ન હોય તેવી નંબર પ્લેટ, બાઈક પર જોખમી રીતે સ્ટંટ કે બાઇકોસિંગ કરતા યુવકો તેમજ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસની કાર્યવાહીમાં અનેક ફોર વ્હીલ વાહનોમાં લગાવેલી બ્લેક ફિલ્મ સ્થળ પર જ દૂર કરાવવામાં આવી હતી. ઉપરાંત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને માર્ગ સલામતી અંગે સમજણ આપી ભવિષ્યમાં આવા ગુનાઓ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી હતી. ગંભીર પ્રકારના નિયમભંગના કિસ્સાઓમાં દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ વાહનચાલકોની બેદરકારી અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો હોય છે. તેથી નિયમોનું પાલન કરાવવાના હેતુથી સતત ચેકિંગ અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ, ગેરમાન્ય નંબર પ્લેટ, કાળા કાચ તથા જોખમી ડ્રાઇવિંગ જેવી પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

મોરબી ટ્રાફિક પોલીસે શહેરના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે, પોતાની તેમજ અન્ય લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપે અને માર્ગ વ્યવહાર દરમિયાન જવાબદાર નાગરિક તરીકે વર્તન કરે. પોલીસની આ કાર્યવાહીને કારણે શહેરમાં ટ્રાફિક અંગે જાગૃતિ વધવા સાથે માર્ગ સલામતીને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



