MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીથી કપાસ, મગફળી, કઠોળ, લીંબુ, દાડમ, જામફળ સહિતના પાકોની સફળ ખેતી

કેન્સર જેવા રોગ અટકાવવા તરફ એક કદમ; પ્રાકૃતિક કૃષિ એટેલ સ્વસ્થ જીવનનું વરદાન

 

 

મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીથી કપાસ, મગફળી, કઠોળ, લીંબુ, દાડમ, જામફળ સહિતના પાકોની સફળ ખેતી

કૃષિ એ ભારત દેશમાં પ્રાચીન યુગથી ઋષિઓની પરંપરા રહી છે. પ્રકૃતિએ ધરતી પર કૃષિના રૂપમાં માનવજાત પર સૌથી મોટા આશીર્વાદ આપ્યા છે. અનાદિકાળથી કુદરતના ખોળે કુદરતી સંસાધનોથી ખેતી કરતો આપણો દેશ વચ્ચે થોડા સમય માટે કુત્રિમ રાસાયણિક ખાતર રાસાયણિક દવાઓ તરફ વળી ગયો હતો. કોરોના વાયરસના પ્રકોપ સામે રોગપ્રતિકારક શક્તિનું મહત્વ સમજાયું છે ત્યારે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વિનાનું ખોરાકનું મહત્વ વધ્યું છે મનુષ્યને સ્વાસ્થ્યની સુરક્ષા માટે કૃષિ ક્ષેત્રે ફરી કુદરતના ખોળે જવાની જરૂરિયાત ઊભી થઈ છે અને આ સમયગાળામાં આ માટેનો સૌથી ઉત્તમ વિકલ્પ છે પ્રાકૃતિક ખેતી.

મોરબી જિલ્લામાં મુખ્યત્વે કપાસ, મગફળી, જીરું, કઠોળ, એરંડા તેમજ ફળ પાકમાં દાડમ, લીંબુ, જામફળ ઉપરાંત હળવદ વિસ્તારમાં શેરડી પાક વધુ પ્રમાણમાં લેવામાં આવે છે. આ પાકમાં પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવે તો ઉત્પાદન વધારી શકાય છે ઉપરાંત પાકની ગુણવત્તા પણ સુધારી શકાય છે. હાલ મોરબી જિલ્લાના અનેક ખેડૂતો દાડમ, લીંબુ, જામફળ, મગફળી, કઠોળ વગેરે પાકમાં પ્રાકૃતિક ખેતીથી સફળ ખેતી કરી રહ્યા છે. સરકારશ્રી દ્વારા આખું ગુજરાત રાજ્ય સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતું રાજ્ય બને તે માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લો પણ આમાં અગ્રેસર રહે તે માટે મોરબીની આત્મા કચેરી દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવે છે.

વિશ્વમાં વ્યાપેલી હરિયાળી ક્રાંતિના પગલે ભારતની કૃષિ પદ્ધતિમાં પણ ધરખમ ફેરફારો થયા. વિશ્વમાંથી અનેક કુત્રિમ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ સહિતની પેદાશો ભારતમાં આવી. શરૂઆતના પગલે આ ખાતર અને રાસાયણિક દવાઓએ દેશમાં વ્યાપેલી અનાજની ઘટ પુરવાનું કાર્ય કર્યું. સમયાંતરે દેશના મોટાભાગના ખેડૂતો આ રાસાયણિક ખેતી તરફ વળ્યા. જેના પગલે ધીરે ધીરે જમીન ઉપજાવ બનવા લાગી અને અનાજ શાકભાજી તેમજ ફળ સહિતની પેદાશોમાં ઝેરનું પ્રમાણ વધવા લાગ્યું. આજે કેન્સર જેવા રોગ અને વૈજ્ઞાનિક તારણો પરથી લોકોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાઈ રહ્યું છે. રસાયણમાંથી તૈયાર અનાજ આરોગતા લોકોમાં કેન્સર સહિત અન્ય બિમારીઓથી પીડાવાનો આંકડો દિન પ્રતિદીન વધી રહ્યો છે.

આપણે જાણીએ છીએ કે, આરોગ્યપ્રદ જીવનશૈલી અને દેશના અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરવા માટે પ્રાકૃતિક કૃષિ એ વર્તમાન સમયની માંગ છે. ત્યારે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તે માટે સતત ચિંતિત રહી માર્ગદર્શન આપી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ માટે પણ ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ રાજ્ય બને તે માટે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અંગે પણ આખું ભારત ગુજરાત પાસેથી પ્રેરણા લે એ હેતુથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે ‘મિશન મૉડ’ પર કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મોરબી જિલ્લો પણ સહભાગી બન્યો છે. મોરબી જિલ્લાના અનેક ખેડૂતો આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈ ઋષિ પરંપરાગત એવી પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે. આમ, ખેડૂતોના કલ્યાણ માટે, લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે, ધરતી મા અને ગૌમાતાના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અનિવાર્ય છે.

Back to top button
error: Content is protected !!