TANKARA :ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ

TANKARA :ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ; બહોળી સંખ્યામાં મહાનુભાવો/નાગરિકો ઉત્સાહભેર જોડાયા
શ્રી સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારવા યુવાનોને અનુરોધ કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી
આર્ય સમાજ સંસ્થા, ટંકારાથી મહાનુભાવોએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું; હરબટીયાળી ખાતે સમાપન થયું
સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે મોરબી જિલ્લામાં ટંકારા વિધાનસભા મતવિસ્તારની એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રાનું જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ આ આયોજન અન્વયે શુભેચ્છાઓ પાઠવી હતી અને સરદાર પટેલના જીવનના પ્રસંગો વર્ણવી તેમની નીડરતા અને વિચારોને આજની યુવા પેઢીને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો.
ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં આ કાર્યક્રમ યોજાયો છે. સરદાર પટેલ કે, જેમણે દેશ દુનિયાને અખંડિતતાનો સંદેશો આપ્યો એવા લોખંડી પુરુષના વિચારોને જન જન સુધી પહોંચાડવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો છે.
વક્તાશ્રી અનિરુદ્ધસિંહ પઢિયારે લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલના જીવન-કવન તેમજ ભારતની આઝાદીની લડત, વિવિધ સત્યાગ્રહો તથા ભારતના એકીકરણમાં તેમની ભૂમિકા પર વક્તવ્ય આપ્યું હતું.
આર્ય સમાજ ટંકારા ખાતે મહાનુભાવોએ શ્રી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર તેમજ સુતરની આંટી પહેરાવી હતી તેમજ લીલી જંડી બતાવી આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. હરબટીયાળી ખાતે બાળાઓ દ્વારા યાત્રાનું કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ આ યાત્રાને આવકારી હતી. હરબટીયાળી ખાતે મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. સમાપન વેળાએ સર્વે ઉપસ્થિતોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા. આ યાત્રા દરમિયાન ટંકારા સર્કિટ હાઉસ પાસે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ ટંકારા દ્વારા આ યાત્રાનું ફુલહાર તેમજ પુષ્પવર્ષા કરી અને જબલપુર ખાતે બાળાઓ દ્વારા રથને કંકુ તિલક કરી યાત્રાનું સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, પ્રાંત અધિકારીશ્રી પ્રવીણસિંહ જેતાવત, આરડીસી બેંક ટંકારાના ડિરેક્ટરશ્રી સંજય ભાગીયા, ટંકારા મામલતદારશ્રી પી.એન. ગોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, આ યાત્રામાં મહાનુભાવો, અગ્રણીઓ, પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તથા વિદ્યાર્થીઓ આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.








