GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા વ્યાજના વિષચક્રમાં ફસાયો ખેડૂત: કરોડો રૂપિયા વસૂલ્યા બાદ પણ જાનથી મારી નાખવાની ધમકી આપી કાર પડાવી લીધી

 

TANKARA:ટંકારા વ્યાજના વિષચક્રમાં ફસાયો ખેડૂત: કરોડો રૂપિયા વસૂલ્યા બાદ પણ જાનથી મારી નાખવાની ધમકી આપી કાર પડાવી લીધી

 

ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો અને હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધંધા માટે લીધેલી લાખો રૂપિયાની રકમ સામે કરોડો રૂપિયાનું વ્યાજ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ ન ઘટતા, આખરે એક ખેડૂત યુવકે બે શખ્સો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી જયદીપ બસીયા: ખેડૂત યુવકે વર્ષ ૨૦૨૪માં ધંધાના કામ અર્થે મિતાણા ગામના જયદીપ બાબુભાઈ બસીયા પાસેથી રૂ. ૧૭ લાખ વ્યાજે લીધા હતા. આ રકમનું વ્યાજ એટલું ઊંચું હતું કે રૂ. ૧૩ લાખ ઉપર રોજનું રૂ. ૧૩ હજાર અને રૂ. ૪ લાખ ઉપર રોજનું રૂ. ૬ હજાર વ્યાજ વસૂલવામાં આવતું હતું. ફરિયાદીએ અત્યાર સુધીમાં આ આરોપીને રૂ. ૧.૧૦ કરોડ જેવી માતબર રકમ ચૂકવી દીધી છે.​આરોપી રવિભાઈ ઝીલરીયા: ત્યારબાદ વર્ષ ૨૦૨૫માં વધુ નાણાંની જરૂર પડતા રાજકોટના રવિભાઈ ઝીલરીયા પાસેથી રૂ. ૧૩ લાખ વ્યાજે લીધા હતા. જેના બદલામાં અત્યાર સુધીમાં રૂ. ૩૫ લાખ જેટલું વ્યાજ ચૂકવી દેવામાં આવ્યું છે.

​ભોગ બનનાર ખેડૂત યુવક બેચરભાઈ મગનભાઈ ઘોડાસરા (ઉં.વ. ૩૦) ના જણાવ્યા મુજબ, ૩૦ થી ૪૫ ટકા જેટલા અતિ ભારે માસિક વ્યાજે લીધેલી રકમ સામે આટલા કરોડો રૂપિયા ચૂકવ્યા છતાં પણ આરોપીઓની ભૂખ સંતોષાઈ ન હતી. બંને આરોપીઓ હજુ પણ લાખો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. અવારનવાર ઘરે આવી ગાળો ભાંડી ફરિયાદી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આટલું જ નહીં, આરોપી રવિભાઈ ઝીલરીયાએ ધાકધમકી આપી ખેડૂતની વર્ના કાર પણ બળજબરીપૂર્વક પડાવી લીધી હતી.વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધમકીઓથી કંટાળીને અંતે બેચરભાઈ ઘોડાસરાએ પોલીસનો આશરો લીધો છે. ટંકારા પોલીસે ફરિયાદીની કમ્પ્લેઇન ના આધારે બંને આરોપીઓ (જયદીપ બસીયા અને રવિભાઈ ઝીલરીયા) સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વ્યાજખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!