ભરૂચની કલરવ શાળાના બાળકોએ 3 હજાર દિવાઓનું નિર્માણ કર્યું
સમીર પટેલ, ભરૂચ
દિવાળીમાં દિવ્યાંગ બાળકોના દિવડાઓ ઝગમગશે
દિવાળીના પર્વમાં આખું શહેર અને જિલ્લો દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠશે. ભરૂચમાં શારીરીક અને માનસિક રીતે વિકલાંગ બાળકો માટેની શાળા કલરવના મનોદિવ્યાંગ બાળકો પણ દીપકોના વેચાણ થકી આવક મેળવી આત્મનિર્ભર બનશે. 70થી વધુ દિવ્યાંગ બાળકોએ 3 હજારથી વધુ દીવડા સુશોભત કર્યા છે. જેનું વેચાણ કરી તેના થકી થયેલી આવકમાંથી બાળકોને મીઠાઈ તેમજ ફટાકડાનું વિતરણ કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે બાળકોના માતાઓ પણ દીવડા બનાવવાના કાર્યમાં જોડાયા હતા જેથી બાળકોને સારી હૂંફ મળી રહે અને વાલીઓ દ્વારા ખાસ આ દીવડાઓ ખરીદવા માટે અપીલ કરવામાં આવી હતી. શાળાના સંચાલક નીલાબેન મોદીએ જણાવ્યું હતું કે, 3 હજાર દીવડા સુશોભિત કરવામાં આવ્યા છે. દિવાળીના દિવસોમાં ભરૂચની પાનોલી, દહેજ અને ઝઘડિયાની ખાનગી કંપનીઓ તેમજ ભરૂચની સંસ્થાઓ થકી વેચાણ કરવામાં આવશે.આ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટોલ પણ ઉભા કરાશે. દીવડાનાં વેચાણ થકી જે આવક થશે તેના દ્વારા બાળકોને ફટાકડા અને મીઠાઈનું વિતરણ કરાશે અને બાળકો ને પ્રોત્સાહિત કરાશે.