GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાનાં “રેડક્રોસના ચેરમેન તુષારકાંત દેસાઈ રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માનિત થશે”

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા શાખા ચેરમેન શ્રી તુષારકાંત દેસાઈ 13મી મે ના રોજ રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે  યોજાનાર વાર્ષિક સભામાં વર્ષ 2022/23 ના એવોર્ડ ઓફ મેરીટ સર્ટિફિકેટ થી સન્માનિત થશે.

ચાર દાયકાથી પણ વધુ રેડક્રોસની સેવા દ્વારા શ્રી તુષારકાંત દેસાઈએ સ્વયંસેવકથી માંડી ટ્રેઝરર, માનદ મંત્રી, વાઈસ ચેરમેન અને હાલ ચેરમેન તરીકે ખૂબ જ ઉમદા સેવા કરી છે. રેડક્રોસનો ઉદ્દેશ્ય માનવતાની સેવાને વરેલા શ્રી તુષારકાંત દેસાઈ હંમેશા જરૂરિયાતમંદો ની સેવા માટે પ્રયત્નશીલ રહ્યા છે.

તેઓએ પોતે પણ 60 વર્ષની ઉંમર સુધી રક્તદાન કરી અનેક રક્તદાતાઓને  પ્રેરિત કર્યા છે. આ ઉપરાંત કુદરતી આપત્તિ અને હોનારતો જેવીકે મોરબી મચ્છુ ડેમ તૂટવાની ઘટના, ભરૂચના વાગરા તાલુકાના દુકાળની ઘટના, કંડલાના વાવાઝોડા કે નવસારી – સુરત જિલ્લામાં દર વર્ષે આવતી  અતિવૃષ્ટિમાં રેડક્રોસ નવસારી દ્વારા રાહત કાર્ય માટે  તેમણે ખૂબ જ ઉમદા યોગદાન આપ્યું છે.

રેડક્રોસના પ્રારંભ કાળ થી આજ સુધી આર્થિક દાન મેળવવામાં તેઓના પ્રયત્ન ખૂબ જ શ્રેષ્ઠ રહ્યા છે. તેઓના માનદ મંત્રીના સમયગાળા દરમિયાન “બ્લડ ઓન કોલ” તથા “જીવન રક્ષક દાતા” બે મહત્વના પ્રકલ્પો જે સામાન્ય જન માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રેડક્રોસ ની શ્રેષ્ઠ ગુણવત્તા માટે એન .એ. બી. એચ. સર્ટિફિકેટ પણ ગુજરાતમાં સૌપ્રથમવાર નવસારી જિલ્લા રેડક્રોસને પ્રાપ્ત થયો હતો, આ ઉપરાંત થેલેસેમિયા સિકલ સેલ એઇડ્સ જાગૃતિ, સી.પી.આર .તાલીમ વગેરે અનેકવિધ કાર્યક્રમ દ્વારા જનજાગૃતિના કાર્ય પણ ખૂબ જ અસરકારક રીતે થયા છે, સાથે જ વિદ્યાર્થીઓ તથા યુવાનોમાં સમાજસેવા અને વિશ્વ બંધુત્વના બી રોપાય તે માટે જુનિયર રેડક્રોસ અને યુથ રેડક્રોસ ની પ્રવૃત્તિઓ પણ અનેકવાર રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ કામગીરીને એવોર્ડ મેળવી ચૂકી છે. રેડક્રોસની સેવા નવસારી જિલ્લાના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે તે માટે વાંસદા,ગણદેવી, ચીખલી, આહવા, મરોલી, ખેરગામ જેવા વિસ્તારોમાં સ્ટોરેજ સેન્ટરો સ્થાપી તેનું સુપેર સંચાલન કરી જરૂરીયાત મંદને ત્વરિત રક્ત મળી રહે તે માટે પણ તેમના પ્રયત્ન બિરદાવવા યોગ્ય છે. શ્રી તુષારકાંત દેસાઈની ચાર દાયકાથી પણ વધુ સમયની રેડક્રોસ અને સમાજસેવા ની કદરરૂપે જ્યારે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત થઈ રહ્યા છે ત્યારે વ્યવસ્થાપક સમિતિના તમામ સભ્યો, રેડક્રોસના તમામ હોદ્દેદારો, સમગ્ર સ્ટાફ પરિવાર તથા સામાજિક અગ્રણીઓએ તેમને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે.

Back to top button
error: Content is protected !!