MORBI:મોરબી ગુરૂનાનક દેવ સાહેબજીનો ૫૫૬મો પ્રકાશોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

MORBI:મોરબી ગુરૂનાનક દેવ સાહેબજીનો ૫૫૬મો પ્રકાશોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
સિંધી સમાજ મોરબી દ્વારા શ્રદ્ધાભર્યા કાર્યક્રમો — શોભાયાત્રા, કીર્તન-સિમરન અને લંગર પ્રસાદનો કાર્યક્રમ યોજાયો
(મોહસીન શેખ દ્વારા મોરબી)
મોરબી : શ્રી ગુરૂનાનક દેવ સાહેબજીના ૫૫૬મા મહાન ગુરૂ પુરબ નિમિત્તે તા. ૫ નવેમ્બર ૨૦૨૫, બુધવારે મોરબી શહેરમાં ભવ્ય તથા દિવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે ૫:૦૦ થી ૬:૩૦ સુધી નિતનેમ, આશાદી વાર તથા કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં સવારે ૯:૩૦ કલાકે અખંડ પાઠ સાહેબની સમાપ્તિ સંપન્ન થઈ હતી. બપોરે ૧૨:૩૦ કલાકે લંગર પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો.
ત્યાર બાદ સાંજે ૪:૩૦ કલાકે શ્રી ગુરૂનાનક દરબાર, સિંધુ ભવનથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ગુરૂબાણીના સ્વર ગુંજતા થયા હતા. રાત્રે ૧૦:૩૦ કલાકે કથા, કીર્તન અને સિમરન સાથે ગુરૂ નાનક દેવજીનો જન્મોત્સવ શ્રદ્ધાભાવથી ઉજવાયો હતો. રાત્રે ૧૨:૨૦ કલાકે ગુરૂનાનક દેવજીના જન્મ પ્રસંગે કુલોની વર્ષા કરી ઉજવણીની સમાપ્તિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોરબીના સર્વ સિંધી સમાજના સભ્યો તથા પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં, સમાજના તમામ દુકાનધારકોએ બપોરે ૨:૦૦ વાગ્યાથી દુકાનો બંધ રાખી કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ સમગ્ર ભવ્ય કાર્યક્રમનું આયોજન સમસ્ત સિંધી સમાજ – મોરબી દ્વારા શ્રદ્ધાભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું.











