MORBIMORBI CITY / TALUKO

MORBI:ખેડૂતોના હક માટે ખુરશીની પરવાહ નથી: મોરબીના માનસર ગામના સરપંચની સરકારને આરપારની ચેતવણી

 

MORBI:ખેડૂતોના હક માટે ખુરશીની પરવાહ નથી: મોરબીના માનસર ગામના સરપંચની સરકારને આરપારની ચેતવણી

 

 

ખેડૂતોના હક અને અધિકારની લડતમાં મોરબી તાલુકાના માનસર ગામના સરપંચે એક નવો જ ઈતિહાસ રચી દીધો છે. જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા માટે માનસરના સરપંચ મંચ પરથી ગરજ્યા હતા. તેમણે માત્ર ખાલી આશ્વાસન આપવાને બદલે ખેડૂતોના સમર્થનમાં તમામ સરપંચો વતી એક અત્યંત મોટો અને ઐતિહાસિક નિર્ણય જાહેર કરીને ખળભળાટ મચાવી દીધો છે.

આંદોલનના મંચ પરથી આક્રમક શૈલીમાં નિવેદન આપતા માનસરના સરપંચે જણાવ્યું હતું કે, “અમે સૌપ્રથમ ખેડૂતોના દીકરા છીએ અને ખેડૂતોની સાથે જ રહીશું.” તેમણે સરકારને અલ્ટીમેટમ આપતા જાહેરાત કરી છે કે, જો આગામી ૪ થી ૫ દિવસમાં સરકાર દ્વારા ખેડૂતોની ન્યાયી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો:

માનસર ,ગોરખીજડીયા ,વનાળિયા ,નારણકા આ ચારેય ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દેશે.સરપંચે કોઈ પણ પક્ષનું નામ લીધા વિના સ્પષ્ટ કર્યું હતું કે આ લડત કોઈ રાજકીય રોટલા શેકવા માટે કે કોંગ્રેસ-ભાજપ માટે નથી, પરંતુ શુદ્ધ ખેડૂત હિત માટેની લડાઈ છે. ખેડૂતોના પ્રશ્નો આડે રાજનીતિ સાંખી લેવામાં નહીં આવે.

ધારાસભ્યોને ઘેરવાનો પ્લાન: ચારેય ગામના સરપંચો અને સભ્યો ટૂંક સમયમાં જ તાલુકા-જિલ્લાના સભ્યો તેમજ સ્થાનિક ધારાસભ્યોના ઘરે જશે અને ખેડૂતોના સમર્થનમાં તેઓ પણ રાજીનામા આપે તેવી ઉગ્ર માંગ કરશે.

જો ખેડૂતોની સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો આગામી ચૂંટણીઓમાં ખેડૂતો પોતાની તાકાત બતાવશે. ખેડૂતોની વિરુદ્ધ ચાલનારાઓને આગામી સમયમાં ખોબલે ને ખોબલે મતદાન કરીને જડબાતોડ પરચો આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

સરપંચના આ નીડર અને ખેડૂતલક્ષી વલણને આંદોલનમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. સમગ્ર સભા મંડપ ‘જય જવાન, જય કિસાન’ અને ‘ખેડૂત એકતા ઝિંદાબાદ’ ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. મોરબી પંથકમાં હાલ આ નિર્ણય ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો કહી રહ્યા છે કે જનતાના હિત માટે ખુરશીની પરવાહ ન કરનાર આવા જ લોકપ્રતિનિધિની આજે સાચી જરૂર છે.

ખરેખર, જનતાના હિત માટે ખુરશીની પરવાહ ન કરનાર આવા જ સરપંચની આજે જરૂર છે!

Back to top button
error: Content is protected !!