અધિકારીઓએ ગામડાઓમાં વિવિધ સવલતો અને પ્રશ્નો બાબતે તલસ્પર્શી નિરીક્ષણ સાથે ગ્રામજનોની મુલાકાત કરી

*પ્રજાલક્ષી અભિગમ સાથે છેવાડાના નાગરિકોની મુશ્કેલીઓનું મંથન; પ્રાથમિક સુવિધાઓ અને યોજનાઓના અસરકારક અમલીકરણનું ગ્રામ્ય સ્તરે મૂલ્યાંકન*
- ૦ :: ૦૦૦ :: ૦
*કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ અધિકારીઓએ ગામડાઓમાં વિવિધ સવલતો અને પ્રશ્નો બાબતે તલસ્પર્શી નિરીક્ષણ સાથે ગ્રામજનોની મુલાકાત કરી*
૦ :: ૦૦૦ :: ૦
*મોરબી જિલ્લામાં વહીવટી તંત્રના અધિકારીઓએ ૩૫ ગામડાઓની આકસ્મિક મુલાકાત લઈ વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓની સુનિશ્ચિતતા તપાસી*
૦ :: ૦૦૦ :: ૦
*માહિતી મોરબી, તા. ૦૪ ફેબ્રુઆરી*
મોરબી જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુથી આજરોજ તા. ૦૪/૦૨/૨૦૨૬ ના રોજ વહેલી સવારથી વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ જિલ્લાના વિવિધ ગામડાઓની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા છે.
આ મુલાકાત અન્વયે મોરબી, માળિયા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકાના ગામો મળી કુલ ૩૧ ગામોમાં અધિકારીઓ દ્વારા વિવિધલક્ષી તપાસ અને સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને વાંકાનેર તાલુકાના ૧૭, મોરબીના ૮, હળવદના ૮ અને ટંકારાના ૨ ગામોનો સમાવેશ થાય છે. આ આકસ્મિક મુલાકાત દરમિયાન ગામડાઓમાં સરકારી મકાનો અને કચેરીઓની સ્વચ્છતા, સફાઈ માટેની નિયમિત વ્યવસ્થા તથા સ્વચ્છતા ઝુંબેશની અમલવારી જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
અધિકારીઓ દ્વારા ગામડાઓમાં પહોંચી પીએચસી, સીએચસી તથા સબ સેન્ટરોની કામગીરી અને સ્ટાફની હાજરીની સઘન તપાસ કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા ગામની દરેક કચેરી અને સરકારી મકાનોમાં સ્વચ્છતાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સ્વચ્છતા અંગેનું આયોજન, સરપંચશ્રી અને તલાટી-કમ-મંત્રી સાથે મળીને સ્વચ્છતા ઝુંબેશની અમલવારી તથા ગ્રામજનોમાં જાગૃતિ લાવવા અંગે વિશેષ આયોજન થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વધુમાં, ગામની પીવાના પાણીની ટાંકીની સ્થિતિ અને સરકારી મકાનો જર્જરિત છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની અમલવારી અને સરકારી સિવિધાઓની સુનિશ્ચિતતા સહિતની બાબતોએ તલસ્પર્શી નિરીક્ષણ અને સમીક્ષા કરાઈ છે.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારશ્રીની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના ગામડાઓ સુધી પહોંચે અને રોડ-રસ્તા, આરોગ્ય, શિક્ષણ તથા પીવા અને સિંચાઈના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય જનતા માટે સુલભ બને તે સુનિશ્ચિત કરવાનો છે. મુલાકાત પૂર્ણ થયે અધિકારીઓ દ્વારા મેળવેલી વિગતોના આધારે અહેવાલ તૈયાર કરી પ્રજાલક્ષી પ્રશ્નોના ત્વરિત નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.











