જૂનાગઢ તા.૨૯ જૂનાગઢ જિલ્લાની ભેસાણ તાલુકાની શ્રી ચણાકા પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ભેસાણ તાલુકાના મામલતદારશ્રી પારગી સાહેબ, ભેસાણ- વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગાંડુભાઈ કથીરિયા, જિલ્લા પંચાયતના આઈસીડીએસ ચેરમેનશ્રી લાભુબેન ગુજરાતી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી રમેશભાઈ વેકરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ બાંભરોલીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી જયદીપ શિલુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા કક્ષાએથી બી.આર.સી કો. દિલીપભાઈ મકવાણા સી.આર.સી કો. ડો.કિશોરભાઈ શેલડીયા અને બી.આર.પી સુધીરભાઈ બાલધાનો સહકાર પ્રાપ્ત થયો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો,SMC સભ્યો, વાલીગણ, ગ્રામ પંચાયતના સભ્યો વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીના ભૂલકાઓ, બાલવાટિકાના અને ધોરણ-૧ માં પ્રવેશ પામતા બાળકોનો શૈક્ષણિક કીટ આપી વિદ્યા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ વર્ષ વિવિધ શિષ્યવૃત્તિની પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન તેમજ અન્ય સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ દેખાવ કરનાર તેજસ્વી પ્રતિભાશાળીઓનું સન્માન પણ આ તકે કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં શિક્ષકોના માર્ગદર્શન અને મહેનતથી આ શાળાના વિદ્યાર્થીઓને ૨૫ લાખથી વધારે શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત શાળાને અવારનવાર દાન આપતા દાતાશ્રીઓ નું સન્માન તેમજ વાલીશ્રીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું . સમગ્ર કાર્યક્રમ બાદ મુખ્ય અતિથિ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો અને ત્યારબાદ એસએમસીના સભ્યો સાથે બેઠક કરવામાં આવી. જેમાં શાળા વિકાસની સમીક્ષા કરવામાં આવી અને શાળાના વર્ગખંડની મુલાકાત કરવામાં આવી હતી તેમજ પુસ્તક પ્રદર્શન નિહાળ્યું હતું. અને શાળાની જીણામાં ઝીણી બાબતનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તમામ શિક્ષકોને સુંદર કાર્ય કરવા માટે શુભેચ્છા પાઠવી હતી અને વધુ સારી રીતે કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ચણાકા પ્લોટ પે.સેન્ટર શાળા પરિવાર અને હરીપરા પ્લોટ શાળા પરિવારના તમામ શિક્ષકો, આચાર્યશ્રીની અથાક મહેનત દ્વારા કાર્યક્રમ યાદગાર અવસરમાં પરિવર્તિત થયો હતો.