Jasdan: જસદણના છેવાડાની કનેસરા કુમાર તાલુકા શાળાના ધો.૫ના ચાર વિદ્યાર્થી ‘કેટ’માં ઝળક્યા
તા.૩૦/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
આલેખનઃ સંદીપ કાનાણી
ચારેય છાત્રોને જ્ઞાન શક્તિ રેસિ. સ્કૂલ અથવા વધુ અભ્યાસ માટે મળશે ‘‘મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ’’
મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્તીર્ ધો.૮ના વિદ્યાર્થીને મળશે રૂ.૨૫ હજારની શિષ્યવૃત્તિ
Rajkot, Jasdan: રાજકોટના આંતરિયાળ જસદણ તાલુકાના છેવાડાના ગામ કનેસરામાં સરકારી શાળામાં ધો.૫માં ભણતા ચાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ખૂબ જ ખુશ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) આ ચારેય વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પાસ કરી છે. હવે તેઓ મેરિટ મુજબ રાજ્ય સરકારની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં જઈને ધો.૧૨ સુધીનો અભ્યાસ સરકારી ખર્ચે કરી શકશે. અથવા તો ‘‘મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ’’ અંતર્ગત અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મેળવી શકશે. આ જ શાળાનો ધો.૮નો વિદ્યાર્થી જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે અને તે પણ આગળના અભ્યાસ માટે સારી એવી શિષ્યવૃત્તિ મેળવી શકશે.
આ અંગે કનેસરા કુમાર તાલુકા શાળાના આચાર્ય શ્રી રાજેશ ઝાપડીયા જણાવે છે કે, ત્રણ મહિના પહેલાં ‘‘મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ’’ માટે ‘કોમન એન્ટ્રન્સ ટેસ્ટ’ (‘કેટ’) માટેના ફોર્મ ભરાયાં હતાં. જેમાંથી અમારી શાળામાંથી ધોરણ-૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ફોર્મ ભર્યા હતા. પરિણામમાં શાળાના ચાર છાત્રો ઓતરાદી ભૂમિત, રાજાણી નિતેશ, માલકીયા આર્યન તથા માલકીયા દિનેશ ઉત્તીર્ણ થયા છે. આ છાત્રો મેરિટ મુજબ, હવે જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલમાં ધો.૬થી ૧૨ સુધીનો અભ્યાસ સરકારી ખર્ચે કરી શકશે. જો કોઈ છાત્ર ત્યાં ના જવા ઈચ્છે તો દર વર્ષે સરકારી શાળામાં અભ્યાસ માટે રૂપિયા પાંચ હજાર જ્યારે પ્રાઈવેટ સ્કૂલ માટે રૂપિયા ૨૦ હજાર શિષ્યવૃત્તિ પેટે મેળવી શકશે. આમ આંતરિયાળ વિસ્તારના ગરીબ વાલીઓના બાળકોને ‘‘મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ’’થી શિક્ષણમાં મોટો ફાયદો થઈ રહ્યો છે.
શ્રી રાજેશ ઝાપડીયાએ ઉમેર્યું હતું કે, આ જ શાળાનો ધો. ૮નો વિદ્યાર્થી ઓતરાદી રોનક સુરેશભાઈ ‘‘મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ’’ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે. રોનક હવે અભ્યાસ માટે દર વર્ષે ૨૫ હજાર રૂપિયા જેવી શિષ્યવૃત્તિ મેળવી શકશે.
તેમણે ઉમેર્યું હતું કે, છેવાડાના વિસ્તારમાં ગામડામાં રહેતા ગરીબ વાલીઓ માટે સરકારની આ યોજનાઓ આશીર્વાદ સમાન છે. બાળકનો ધો. ૧૨ સુધીનો અભ્યાસ સરકારી ખર્ચે અથવા તો તેના માટે સારી એવી શિષ્યવૃત્તિ મળતી હોવાથી વાલીઓને સંતાનના અભ્યાસનું કોઈ આર્થિક ભારણ આવતું નથી અને બાળકો પણ ભણી-ગણીને ઉચ્ચ કારકિર્દી ઘડી શકે છે.
આમ રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓ છેવાડાના વિસ્તારના ગરીબ વાલીઓના સંતાનો માટે અભ્યાસનો મુખ્ય આર્થિક આધાર સમાન બની રહી છે.