
બાલાસિનોરમાં વધતા હિપેટાઇટિસ A (કમળા)ના કેસો મામલે જિલ્લા કલેક્ટર એક્શન મોડમા
રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
રેફરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર પ્રાંતમાં છેલ્લા કેટલાક સમયથી હિપેટાઇટિસ A (કમળા)ના કેસોમાં વધારો જોવા મળતા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા આજે બાલાસિનોર રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને મળી રહેલી સારવારની સમીક્ષા કરવાનો અને રોગચાળાને ફેલાતો અટકાવવાનો હતો.
હોસ્પિટલની મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રીએ કમળાના વોર્ડમાં જઈને સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા. તેમણે દર્દીઓના સગાઓ સાથે સીધો સંવાદ સાધીને તેમને મળી રહેલી સુવિધાઓ વિશે પૃચ્છા કરી હતી અને ખાતરી આપી હતી કે વહીવટી તંત્ર દ્વારા તમામ દર્દીઓને શ્રેષ્ઠ અને યોગ્ય સારવાર મળી રહે તે માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ હોસ્પિટલ પ્રશાસનને પણ સારવારમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રાખવા અને દવાઓનો પૂરતો જથ્થો જાળવી રાખવા કડક સૂચના આપી હતી.
હિપેટાઇટિસ A (કમળા)ના કેસો વધવા પાછળ દૂષિત પાણી મુખ્ય કારણ હોવાની શક્યતાને જોતા, કલેક્ટર શ્રીએ બાલાસિનોર પ્રાંત અધિકારીશ્રી નગરપાલિકાના ચીફ ઓફિસરsશ્રી સાથે ગહન ચર્ચા કરી હતી. તાલુકામાં પાણીના વિતરણ અને પાઈપલાઈનમાં થતા લીકેજ જેવા પ્રશ્નો અંગે વિગતવાર માહિતી મેળવી હતી. કલેક્ટરે સ્પષ્ટ જણાવ્યું હતું કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં અને પાણીના તમામ પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા માટે આદેશ આપ્યા હતા.
આ ઉપરાંત નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને કલેક્ટર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે સમગ્ર બાલાસિનોર નગરમાં પીવાનું પાણી શુદ્ધ અને યોગ્ય રીતે ક્લોરિનેશન કર્યા બાદ જ વિતરણ કરવામાં આવે. પાણીના સ્ત્રોતોની સમયાંતરે તપાસ કરવા અને ક્લોરિન ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂક્યો હતો જેથી ભવિષ્યમાં આવા રોગચાળાને ઉગતો જ ડામી શકાય.
આ આકસ્મિક મુલાકાત બાદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે તંત્ર આ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. તેમણે નાગરિકોને પણ ઉકાળેલું પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. આગામી દિવસોમાં જો જરૂર જણાય તો વધુ પગલાં લેવાની પણ તૈયારી દર્શાવી હતી. આ મુલાકાત સમયે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા.





