WAKANER વાંકાનેર ઈદે મિલાદની અનોખી ઉજવણી દીની અને દુનિયાવી શિક્ષણ સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન




WAKANER વાંકાનેર ઈદે મિલાદની અનોખી ઉજવણી દીની અને દુનિયાવી શિક્ષણ સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન


વાંકાનેર : જ્યાં દીની-દુનિયાવી અને ઇસ્લામી તાલીમથી બાળકો વંચિત રહી જાય છે, એવા વિસ્તારોમાં શિક્ષણ અને સંસ્કાર ની જ્યોત પ્રગટાવવાના હેતુથી મદાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ મહિનાથી સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટના પ્રયાસોના ભાગરૂપે કે.જી.થી ધોરણ-૮ સુધીના આશરે ૨૦ વિદ્યાર્થીઓને શાળા શિક્ષણની સાથે કુરઆન શરીફ તથા ઈસ્લામી આદાબ-તરીકાની તાલીમ આપવામાં આવી રહી છે.
ઈદે મિલાદુન્નબીના મુબારક પ્રસંગે તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ઈશાની નમાજ બાદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નાના ભૂલકાઓએ કુરઆન શરીફની આયતો સાથે જમતા પહેલાં અને જમ્યા બાદની દુઆ, મુસાફરી દરમિયાન પઢવાની દુઆ સહિતના ઈસ્લામી આદાબ જાહેર મંચ પરથી રજૂ કરતાં ઉપસ્થિત વાલીઓ અને મહેમાનો તાળીઓના ગડગડાટથી બાળકોનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા.
આઠ મહિનાની મહેનતનું મંચ પર પ્રદર્શન શાહબાવા મસ્જિદના મકદુમ અશરફ મૌલાના દ્વારા બાળકોને દીની શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શાળા શિક્ષણ સાથે મદ્રેસામાં હાજરી આપતા વિદ્યાર્થીઓમાં ગુજરાતી, અરબી અને ઉર્દૂ ભાષાના જ્ઞાન સાથે ધાર્મિક અને નૈતિક સંસ્કારોનું સિંચન થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની આઠ મહિનાની તાલીમનું સુંદર પ્રદર્શન કર્યું હતું. એક પછી એક બાળક દ્વારા કુરઆન શરીફની આયતો તથા ઈસ્લામી જ્ઞાનની રજૂઆત થતાં સમગ્ર વાતાવરણ ભાવસભર અને પ્રેરણાદાયી બન્યું હતું. પ્રથમ ક્રમે રહેનારી બાળકીનું વિશેષ સન્માન વિદ્યાર્થી પ્રોત્સાહન કાર્યક્રમમાં પ્રથમ ત્રણ ક્રમે રહેલા વિદ્યાર્થીઓ ને શિલ્ડ, સન્માનપત્ર, શૈક્ષણિક કીટ, ટિફિન, ઇમ્પોર્ટેડ કંપાસ અને લંચ બોક્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાં સોહરવદી રહેનાઝ બાનુ યાસીનભાઈ સોહરવદી પ્રથમ ક્રમે રહી હતી. નોંધનીય બાબત એ રહી કે કુરઆન શરીફની તાલીમમાં પણ રહેનાઝ બાનુએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
મદ્રેસા માટે મકાન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવનાર યાસીનભાઈ સોહરવદી પ્રત્યે સંસ્થાના પ્રમુખ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.શિક્ષણ સાથે સંસ્કારનો સંદેશ ઈદે મિલાદની ઉજવણીને માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી સીમિત રાખવાને બદલે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ, ધાર્મિક જ્ઞાન, સંસ્કાર અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાના અવસર તરીકે ઉજવવામાં આવી હતી. મરહૂમ અહેમદ બાપુની વાર્ષિક વરસીના નિમિત્તે પણ આ વિદ્યાર્થી પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ માં મદાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જહાંગીર બાપુ, ઉપપ્રમુખ યાસીનશા રાઠોડ, મંત્રી આરીફ દીવાન સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રતિષ્ઠિત મહેમાનો, વાલીઓ, શિક્ષણચિંતકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ પત્રકાર આરીફ દીવાને સંભાળ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના સભ્યો અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ નો સૌથી સકારાત્મક પાસો એ રહ્યો કે બાળકોને માત્ર ધાર્મિક શિક્ષણ આપવાનું નહીં, પરંતુ શાળા શિક્ષણની સાથે ભાષાજ્ઞાન, શિસ્ત, સંસ્કાર અને જાહેર મંચ પર પોતાની વાત રજૂ કરવાનો આત્મવિશ્વાસ કેળવવાનો પ્રયાસ થયો છે. નાની ઉંમરના વિદ્યાર્થીઓ જ્યારે દુઆઓ અને કુરઆનની આયતો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરે છે ત્યારે તે માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ આવતી પેઢીમાં જ્ઞાન અને સંસ્કારના બીજ વાવવાનો પ્રયાસ બની રહે છે. વિદ્યાર્થીને પુરસ્કાર આપવાની પરંપરા તેમની મહેનતને બિરદાવવાની સાથે અન્ય બાળકોને પણ શિક્ષણ તરફ આગળ વધવા માટે પ્રેરણા આપતી હોવાથી આ પહેલ સમાજ માટે પ્રેરણાદાયી બની છે.


