GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER વાંકાનેર ઈદે મિલાદુન્નબીની આન-બાન-શાન સાથે ઉજવણી

 

WAKANER વાંકાનેર ઈદે મિલાદુન્નબીની આન-બાન-શાન સાથે ઉજવણી

 

રાજા વડલામાં ‘આઈ લવ મોહમ્મદ’નો આકાશી દડો, બાલ મુબારકના દીદાર માટે ઉમટી પડ્યો જનસમુદાય

વાંકાનેર: મુસ્લિમ સમાજના પયગંબર હઝરત મહંમદ મુસ્તફા ﷺના જન્મદિવસ નિમિત્તે વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામે ઈદે મિલાદુન્નબીની ભવ્ય અને ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ગામમાં છેલ્લા બાર દિવસથી જિક્રે રસૂલ, મિલાદ, કુરઆન શરીફના પઠન, ઈબાદત તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

ઉજવણીનો પ્રારંભ વહેલી સવારે ચાર વાગ્યે કેક કાપીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નમાજે ફજર બાદ નફલ નમાજ તથા જિક્ર શરીફના કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ ચાંદથી 12મા ચાંદ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા પયગંબર સાહેબના જીવન, સંદેશ અને માનવતાના મૂલ્યોને યાદ કરવામાં આવ્યા હતા.

‘આઈ લવ મોહમ્મદ’નો આકાશી દડો બન્યો આકર્ષણનું કેન્દ્ર

રાજા વડલા ગામની મસ્જિદ ઉપર હવામાં લહેરાતો વિશાળ ‘આઈ લવ મોહમ્મદ’ લખાણ ધરાવતો દડો લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આશરે પાંચથી સાત ફૂટ ઊંચાઈ અને અંદાજે 35 ફૂટ લંબાઈ ધરાવતો આ દડો દોરીથી બાંધીને આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો. બાળકો સહિત ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા લોકોએ આ અનોખું દૃશ્ય નિહાળ્યું હતું. બાલ મુબારકના દીદાર માટે લાંબી કતારો

મસ્જિદ ખાતે બાલ મુબારકના દીદાર માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. સાથે જ જમાતખાનામાં વિવિધ મસ્જિદો, દરગાહ શરીફ, કાબા શરીફ, મક્કા-મદીના તથા અન્ય પવિત્ર સ્થળોના આબેહૂબ મોડેલો અને રોજા મુબારક રજૂ કરવામાં આવ્યા હતા. તેમના દીદાર કરવા માટે ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

ન્યાઝ અને આમ નિયાઝથી સામાજિક એકતાનો સંદેશ

ઈદે મિલાદની ઉજવણી અંતર્ગત દૂધ, ઠંડા પીણા, વિવિધ પ્રકારની ચોકલેટ, કેક અને ફળ-ફ્રૂટની ન્યાઝ અર્પણ કરવામાં આવી હતી. સાંજે આમ નિયાઝ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. મસ્જિદ અને જમાતખાના વચ્ચે પાણીના ફુવારાનું સુંદર દૃશ્ય પણ બાળકો અને ગ્રામજનોમાં ઉત્સાહનું કારણ બન્યું હતું.

ગામમાં રંગબેરંગી રોશની અને લાઈટ ડેકોરેશનથી મસ્જિદ, જમાતખાના, ઘરો, શેરીઓ અને ગલીઓ ઝળહળી ઉઠી હતી. સતત 12 દિવસ સુધી જિક્રે રસૂલ અને ધાર્મિક માહોલને કારણે સમગ્ર રાજા વડલા ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.

વિવિધ સમાજના લોકોની હાજરીથી કોમી એકતાનો સંદેશ

કાર્યક્રમમાં માજી સરપંચ નુરાભાઈ કબાટ, માજી સરપંચ અનુભાઈ પટેલ, માજી સરપંચ હુસેનભાઈ મિતુલ તાલુકા પંચાયત સદસ્ય અકબરભાઈ સહિત વિવિધ આગેવાનો, યુવાનો, વડીલો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મસ્જિદ-જમાતખાના માં બાલાપીર, ખ્વાજા ગરીબ નવાજ, મદીના શરીફ, કાબા શરીફ, ઈમામ હુસેન તથા પીરોના પીર દસ્તગીરના રોજા મુબારકના પ્રતિકાત્મક દર્શન અને જિક્ર શરીફના કાર્યક્રમો યોજાયા હતા.

આ સમગ્ર આયોજનમાં ધાર્મિક આસ્થા સાથે માનવતા, ભાઈચારો અને કોમી એકતાનો સંદેશ પણ પ્રબળ રીતે જોવા મળ્યો હતો. ગામના નાના-મોટા કમિટીના કાર્યકરો તથા યુવાનોની મહેનતથી ઈદે મિલાદુન્નબીનો આ પવિત્ર મહોત્સવ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.

૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ 12મી રબી ઉલ અવ્વલ નિમિત્તે યોજાયેલી આ ઉજવણી રાજા વડલા ગામમાં ધાર્મિક શ્રદ્ધા, સામાજિક એકતા અને ભાઈચારાનું સુંદર ઉદાહરણ બની રહી હતી.

Back to top button
error: Content is protected !!