માનવ અધિકાર દિવસે શ્રમીક મહાસંમેલન
૧૦ મી ડીસેમ્બર એટલે માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાનો દિવસ.
માનવ અધિકાર દિવસ નિમિતે રાજ્યના અસંગઠિત શ્રમિકોનું મહાસંમેલન
ચાલો આપણે આપણા અધીકાર મેળવીએ, આપણી માંગોને એક મંચ ઉપર લાવીએ.
શ્રમિક ભાઈઓ તથા બહેનો,
૧૦ મી ડીસેમ્બર, ૧૯૪૮ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાનો સ્વીકાર કર્યો હતો આથી આ દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઘોષણાપત્ર હેઠળ વિશ્વમાં દરેક વ્યક્તિને જીવન જીવવાની સ્વતંત્રતા અને રક્ષણનો અધિકાર મળેલો છે. માનવીની પ્રતિષ્ઠા અને ગૌરવ જાળવવાની, માનવીની સામાજિક પ્રગતિ અને ઉચ્ચ જીવન ધોરણ પ્રાપ્ત કરવાની ખાતરી આપવામાં આવેલી છે. કોઈને પણ ગુલામ કે પરાધીનતાની દશામાં રાખવામાં નહિ આવે, દરેકને કોઈપણ જાતના ભેદભાવ વગર કાયદાનું રક્ષણ સમાન ધોરણે મેળવવાનો અધિકાર પ્રસ્થાપીત થયેલ છે. દરેક વ્યક્તિને પોતાના હિતોની રક્ષા માટે સંગઠન રચવાનો અને સભા, સરઘસ કાઢવાનો અધિકાર મળેલ છે. દરેક વ્યક્તિને કામ કરવાનો, કામની પસંદગીનો, કામની ન્યાયી અને ફાયદાકારક શરતો લાગુ કરાવવાનો તેમજ બેરોજગારીના સમયમાં રક્ષણ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે. દરેક વ્યક્તિને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સમાન કાર્ય માટે સમાન વેતન મેળવવાનો અધિકાર છે. દરેક વ્યક્તિને પોતાના હિતોના રક્ષણ માટે કામદાર સંઘ (ટ્રેડ યુનિયન) રચવાનો અને તેમાં જોડાવાનો અધિકાર છે. દરેક વ્યક્તિને કામના કલાકોની વાજબી મર્યાદા, પગાર સાથેની અઠવાડિક રજા તથા આરામ મેળવવાનો અધિકાર છે. દરેક વ્યક્તિને જરૂરી ખોરાક, કપડા, મકાન, અને આરોગ્યની સેવા, સાર સંભાળ તેમજ સામાજિક સેવાઓ મેળવવાનો અધિકાર છે. બેકારી, માંદગી, અશક્તિ, અપંગતા, નિરાધાર અવસ્થા, વૃદ્ધાવસ્થા, વિધવા અવસ્થા તેમજ કાબુ બહારના સંજોગોમાં તેમજ આજીવિકા ગુમાવવાની સ્થિતિઓમાં સામાજિક સલામતી મેળવવાનો અધિકાર છે.
ભારત દેશે સંયુક્ત રાષ્ટ્રના ઘોષણાપત્રને સ્વીકારીને સહી કરેલ છે. આપણા બંધારણે પણ આપણને આત્મસન્માન અને ગૌરવ સાથે જીવન જીવવાનો મૂળભૂત અધિકાર આપેલ છે. આથી ૧૦ મી ડીસેમ્બર, માનવ અધિકાર દિવસ નિમિતે આપણે રાજ્યને યાદ કરાવવા માંગીએ છીએ કે ક્યાં છે અમારા માનવ અધિકારો ? માનવ અધીકારોનું રક્ષણ કરવાની રાજ્યની પવીત્ર ફરજ છે.
દેશનો શ્રમિક 12 કલાકથી વધુ સમય તનતોડ મહેનત કરી રહ્યો છે છતાં લઘુત્તમ વેતન મળતું નથી એટલું જ નહિ મહીને સમયસર પગાર માટે પણ વલખાં મારે છે, રોજબરોજ ઔધોગિક અકસ્માતોમાં સેંકડો કામદારો મોતને ભેટે છે અનેક કામદારો કામની જોખમી પ્રક્રિયા અને સ્થિતિને કારણે સીલીકોસીસ, ફેફસાંના રોગો, એબેસ્ટોસ સંબંધીત રોગો, ઝેરી ધાતુઓને કારણે થતા રોગો, ચામડીના રોગો, અવાજને કારણે આવતી બહેરાશ, રસાયણોને કારણે થતા કીડની-લીવર-મગજના રોગો, કામને કારણે થતા કેંસર વિગેરે વ્યવસાયીક રોગોનો ભોગ બની રહ્યા છે, નોકરીની કોઈ સલામતી નથી. પ્રવાસી શ્રમિકો શહેરમાં નાની ખોલકીઓમાં નર્કાગારની સ્થિતિમાં રહે છે, પાથરણાવાળા તેમજ ફેરીયાઓને પોતાનો ધંધો કરવાની જગ્યા નથી, હીરાઘસુ ભાઈઓ તેમજ પાવરલુમ કામદારો તેનું આયખું એક માલિક હેઠળ કામ કરીને ઘસી કાઢે તેમ છતાં માલિક- કામદાર વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થતો નથી તેથી મજુર કાયદાઓના લાભોથી વંચિત છે, બાંધકામ કામદારો માટે હજારો કરોડોનું વેલ્ફેર ફંડ અને અનેક યોજનાઓ અમલમાં હોવા છતાં કામદારોના જીવનમાં કોઈ સુધારો થયો નથી. માછીમારો, અગરીયાઓ, જંગલ જમીન ખેડનારા તેમજ વનની ગૌણપેદાશ એકત્ર કરનારા, પથારાવાલા –ફેરિયાઓ, ખાનગી સોસાયટીમાં કામ કરતા સીક્યુરીટી ગાર્ડ, સફાઇ કર્મીઓ વિગેરેના આજીવિકા મેળવવાના અને જીવન જીવવાના મૂળભૂત અધિકારોનું સતત હનન થયા કરે છે. કામદારો યુનિયનમાં જોડાય અને તેના શોષણ સામે અવાજ ઉઠાવે તો તેને કામ ઉપરથી હાંકી કાઢવામાં આવે છે. વેતનમાં શોષણ થતું હોઇ શ્રમિકોને તેમના બાળકોને મજૂરીએ જોતરવા પડે છે. ઈંટ ભઠ્ઠા, કવોરી, ખેતી, કચરો એકત્રિત કરવાના અને અન્ય વ્યવસાયોમાંમાં આજે પણ આદિવાસીઓ અને સમાજના અત્યંત નબળા વર્ગના શ્રમિકોને ફરજીયાત મજુરી વેઠ કરવી પડે છે.
દેશમાં હાલ ૨૯ મજુર કાયદાઓ અમલમાં છે મજુર કાયદાઓનો અસરકારક અમલ થતો નથી. દેશનો સંગઠિત ક્ષેત્રનો નોકરીયાતને પણ હવે ફિક્સ પગાર, કોન્ટ્રાકટ પદ્ધતિ, આઉટ સોર્સિંગથી કામ કરવું પડે છે. હાલની સમગ્ર સ્થિતિમાં આપણે રાજ્ય સરકારને યાદ અપાવવા માંગીએ છીએ કે ભારત દેશે વિશ્વ ઘોષણા પત્રમાં સહી કરી છે તેથી તેનો અમલ કરવાની રાજ્યની ફરજ બને છે.
આપણી વ્યથાઓને વ્યક્ત કરવા અને આપણી સામુહિક માંગણીઓ રાજ્ય સરકારને રજુ કરવા ૧૦ મી ડીસેમ્બરના રોજ સુરત ખાતે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું સંમેલન યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં તમામ શ્રમિકોને હાજર રહી સંમેલન સફળ બનાવવા માટે અપીલ કરવામાં આવે છે.
સંમેલનની તારીખ : ૧૦- ૧૨-૨૦૨૪, સમય : સવારે ૧૦ થી ૪ સુધી.
સંમેલનનું સ્થળ : શ્રમજીવી સેવાલય, રેલ્વે સ્ટેશન સામે, બસ સ્ટેન્ડની બાજુમાં , સુરત
આયોજક : અસંગઠિત શ્રમિક હિત રક્ષક મંચ, ગુજરાત
સંપર્ક માટે:
ડેનીસ મેકવાન -૯૪૦૯૩૦૭૬૩૩, શરદ – ૯૦૮૧૨૩૪૦૯૦, ભાવેશ ટાંક – ૯૯૭૮૪૩૮૮૩૦, સમીર મેકવાન -૩૪૨૬૧ ૮૮૩૦૪ , વિજય શેનમારે – ૯૯૨૫૯૧૯૬૪૯ વાલજી સુવર – ૯૬૩૮૩૯૬૭૦૦
માહિતી સ્રોત-શ્રી પંકજ જોષી,એડવોકેટ-નોટરી,જનરલ સેક્રેટરી,રાષ્ટ્રીય મજૂર મહાજન સંઘ,હે.ક્વા.જામનગર
______________________
—-regards
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
Journalist (govt.accredate)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com