કાલોલ ના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી નુકસાન થયેલા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગ ની કામગીરી શરૂ કરાઇ

તારીખ ૦૨/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાછલા સપ્તાહે વરસેલા વ્યાપક વરસાદને પગલે અનેક ગામોના ડામર રોડ ધોવાયા હતા તદ્પરાંત ઠેર ઠેર ખાડાઓ પડી જતાં,ગાબડાં પડી જતાં વાહનચાલકોને હાલાકીઓ ભોગવવી પડતી હતી.જોકે તાજેતરમાં વરસાદના વિરામ વચ્ચે માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવતા ભગ્ન બનેલા રસ્તાઓના ખાડાઓનું પુરણ કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ચોમાસું સિઝનમાં વ્યાપક વરસાદને પગલે કાલોલ અને ઘોઘંબા તાલુકાના અનેક માર્ગો ઉપર રસ્તાઓ તૂટીને કે ધોવાણ થઇને ગાબડા અને ખાડા પડી જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ સતત ચાર દિવસ સુધી ધડબડાટી બોલાવતાં ઠેર પાણીનો જમાવડો થયો હતો અને તમામ માર્ગો પાણી પાણી થઈ ગયા હતા જેને પગલે અનેક માર્ગોને ભારે નુકસાન પહોંચ્યું હતું તદ્ઉપરાંત કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં નદી કે કોતર પરના કોઝવે પણ ક્ષતિગ્રસ્ત થયા છે જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક જાહેર માર્ગો ઉપર પાણી ભરાઈ જવાના કારણે ગાબડા અને ખાડાનું સામ્રાજ્ય ઊભું થયું હતું જેમાં વાહન ચાલકોને ભારે તકલીફ્નો સામનો કરવો પડતો હતો જેથી કાલોલ અને ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ ખરાબ થઈ ગયા હોવાની સોશિયલ મીડિયામાં લોકબૂમો ઉઠવા પામી હતી.ખરાબ બની ગયેલા રસ્તાઓથી અસરગ્રસ્ત બનેલા સ્થાનિક લોકો અને વાહન ચાલકો હેરાન પરેશાન બની જતાં રસ્તાઓનું સમારકામ કરવાની લોકમાંગ ઉઠવા પામી હતી જેને પગલે તાજેતરમાં પાછલા ત્રણ ચાર દિવસોથી વરસાદના વિરામને પગલે પંચમહાલ જિલ્લા (ગોધરા)ના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કાલોલ અને ઘોઘંબા તાલુકાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પોતાના તાલુકા વિસ્તારના ગામોના ખંડિત થયેલા રસ્તાઓ પર હાલ કાચા કામનું પુરણ અને રોલરથી પેચિંગ વર્ક કરીને રસ્તાઓનું સમારકામ કરવાની કામગીરી આદરતાં અસરગ્રસ્ત બનેલા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.






