સુરેન્દ્રનગર જિલ્લામાં 12 વર્ષમાં 38,128 થી વધુ બહેનોને મળ્યો સધિયારો, મૌન તોડો, 181 જોડો ઘરેલુ હિંસા કે છેડતી સામે સુરક્ષિત અને ગોપનીય મદદ મેળવવાનું સચોટ માધ્યમ
તાકીદની પરિસ્થિતિમાં આશાનું કિરણ બની ૬,૭૦૦થી વધુ કિસ્સામાં રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચી તાત્કાલિક મદદ

તા.07/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
તાકીદની પરિસ્થિતિમાં આશાનું કિરણ બની ૬,૭૦૦થી વધુ કિસ્સામાં રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચી તાત્કાલિક મદદ
“મહિલા સુરક્ષિત તો સમાજ સુરક્ષિત” આ વિચારને સાકાર કરતી ગુજરાત સરકારની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન આજે હજારો મહિલાઓ માટે વિશ્વાસ અને સહારાનું પ્રતિક બની છે આ હેલ્પલાઇન ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા, સન્માન અને સશક્તિકરણ માટે છેલ્લા ૧૨ વર્ષથી અવિરત કાર્યરત છે જે આજે હજારો મહિલાઓ માટે આશાનું કિરણ બનીને ઉભરી છે કોઈ મહિલા પરેશાનીમાં હોય, ઘરેલુ હિંસા, માનસિક ત્રાસ, છેડતી, પારિવારિક વિવાદ, બાળલગ્ન કે તાત્કાલિક બચાવ જેવી પરિસ્થિતિનો સામનો કરતી હોય ત્યારે માત્ર એક કોલ ‘૧૮૧’ તેના માટે સહાય, સુરક્ષા અને માર્ગદર્શનનો માર્ગ ખોલી આપે છે ૨૪ કલાક કાર્યરત આ સેવા મહિલાઓ સુધી ઝડપથી પહોંચીને તેમને કાયદાકીય સહાય, માનસિક સહારો અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરે છે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન કુલ ૩૮,૧૨૮થી વધુ કેસોમાં મહિલાઓને માર્ગદર્શન, કાઉન્સેલિંગ, બચાવ અને કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવી છે આ આંકડો માત્ર આંકડો નથી પરંતુ હજારો મહિલાઓના જીવનમાં ફરીથી ઉભરેલી આશા અને આત્મવિશ્વાસની કહાની છે મહિલાની આંખોમાંથી આંસુ દૂર થાય અને તેની આંખોમાં આશાનો દીપ પ્રગટે એ જ ૧૮૧ અભયમ સેવાનો સાચો હેતુ છે ઘણી વખત મહિલાની સુરક્ષા માટે તાત્કાલિક પરિસ્થિતિમાં અભયમ ટીમ રેસ્ક્યુ વાન સાથે ઘટનાસ્થળે પહોંચી મહિલાઓને સુરક્ષા પૂરી પાડે છે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૬,૭૦૧ જેટલી મહિલાઓ સુધી રેસ્ક્યુ વાન દ્વારા સ્થળ પર પહોંચી મદદ કરવામાં આવી છે આ ટીમ માત્ર બચાવ જ નથી કરતી, પરંતુ સંવેદનશીલ કાઉન્સેલિંગ દ્વારા પરિવાર વચ્ચે સમજણ અને સમાધાન ઉભું કરવાની પણ કોશિશ કરે છે માત્ર એક વર્ષના ગાળામાં પણ આ સેવા કેટલી અસરકારક છે તેનો અંદાજ આવે છે વર્ષ ૨૦૨૫ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૭૫ જેટલા કેસોમાં અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાઓને મદદ કરી હતી ઘણા કિસ્સાઓમાં કુશળ કાઉન્સેલિંગ દ્વારા પરિવાર વચ્ચેના મતભેદો દૂર કરીને તૂટતા સંબંધોને ફરીથી જોડવામાં સફળતા મળી હતી જરૂર પડે ત્યારે પીડિત મહિલાને પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, વન સ્ટોપ સેન્ટર અથવા આશ્રયગૃહ સુધી પહોંચાડી તેને કાયદાકીય અને સામાજિક સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અભયમ હેલ્પલાઇન માત્ર કાયદાકીય કાર્યવાહી પૂરતી મર્યાદિત નથી પરંતુ માનવીય સંવેદનાથી તૂટતા સંબંધોને જોડવાનું પણ મહત્વપૂર્ણ કાર્ય કરે છે ચોટીલા તાલુકામાં બનેલા એક હૃદયસ્પર્શી કિસ્સામાં પતિના અકસ્માતમાં અવસાન બાદ એક મહિલાને સમાજના દબાણ હેઠળ દિયરવટા કરાવવામાં આવ્યા હતા થોડા જ સમય બાદ તેનો સાત વર્ષનો પુત્ર છીનવી લેવાયો હતો ત્યારે અભયમ ટીમ તાત્કાલિક પહોંચી સાસુ અને દિયરને કાયદાકીય તથા માનવીય સમજ આપી સંવેદનશીલ કાઉન્સેલિંગના પરિણામે દીકરો ફરીથી માતાને પરત મળ્યો અને પરિવાર વચ્ચે સુખદ સમાધાન થયું એ જ રીતે પ્રેમલગ્ન કરનાર ગર્ભવતી મહિલાને જ્યારે તેના પિયરપક્ષ દ્વારા મરજી વિરુદ્ધ ગર્ભપાત માટે દબાણ કરાયું ત્યારે અભયમ ટીમે સમયસર સ્થળ પર પહોંચી ગઈ અને બંને પક્ષોનું કાઉન્સેલિંગ કર્યું ટીમે કાયદાકીય જોગવાઈઓ અંગે સમજ આપી અભયમ ટીમે એક સાથે બે જીવને બચાવવાનો સંવેદનાત્મક પ્રયત્ન કર્યો માતૃત્વની વેદનાથી જોડાયેલા એક હૃદયદ્રાવક કિસ્સામાં પતિ દ્વારા લઈ જવાયેલી દોઢ વર્ષની દીકરીને તેની માતા સાથે મિલન કરાવીને પરિવારમાં ખુશીઓ પાછી લાવી હતી ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસના કારણે કેટલીક મહિલાઓ નિરાશામાં ડૂબી જાય છે ત્યારે નિરાશાના અંધકારમાં ડૂબેલી અને આત્મહત્યા જેવા આત્યંતિક પગલાં ભરવા તૈયાર થયેલી મહિલાઓ માટે આ હેલ્પલાઇન સાચા અર્થમાં ‘જીવનદાતા’ સાબિત થઈ છે વઢવાણ અને સુરેન્દ્રનગર રેલવે જંકશન જેવા સ્થળોએ આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાઓને ટીમે ભાવનાત્મક સહારો આપી, કાઉન્સેલિંગ કરી ફરીથી જીવન જીવવાની નવી રાહ ચીંધી છે એક સાચી વાત, એક સહારો અને એક વિશ્વાસ – ઘણી વખત અનેક જીવન બચાવી શકે છે આ ઉપરાંત, સમાજમાં મહિલાઓની સુરક્ષા માટે છેડતી અને ગોપનીયતા ભંગ જેવી ઘટનાઓ સામે પણ અભયમ ટીમ સજાગ રીતે કાર્ય કરે છે લીંબડી તાલુકામાં એક મહિલાનો પડોશી યુવકે અયોગ્ય રીતે વીડિયો ઉતારી લીધો હતો ઘટનાની જાણ થતાં અભયમ ટીમે સંવેદનશીલ રીતે પીડિતાનું કાઉન્સેલિંગ કર્યું અને ગુનેગારને કાયદાકીય ભાન કરાવી પીડિતાને ન્યાય અપાવ્યો હતો આવા અનેક કિસ્સાઓમાં ૧૮૧ અભયમ હેલ્પલાઇન માત્ર સમસ્યાનો ઉકેલ નથી લાવતી પરંતુ માનવતાનો સ્પર્શ આપીને મહિલાઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરિત કરે છે કાયદાકીય માહિતી માનસિક સહારો, સુરક્ષા અને સામાજિક માર્ગદર્શન દ્વારા મહિલાઓને સશક્ત બનાવવાનું આ અભિયાન સતત આગળ વધી રહ્યું છે આમ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે હંમેશા પ્રતિબદ્ધ રહી છે સરકારની આ પ્રતિબદ્ધતા આજે મહિલાઓમાં એવો આત્મવિશ્વાસ જગાડી રહી છે કે તેઓ મુશ્કેલીમાં એકલા નથી અભયમ હેલ્પલાઇન પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર અને આશ્રયગૃહ જેવા માધ્યમો સાથે જોડાઈને મહિલાઓને સંપૂર્ણ સુરક્ષા કવચ પૂરું પાડે છે આથી, કોઈપણ મહિલા જ્યારે અન્યાય કે પીડાનો સામનો કરતી હોય ત્યારે તેણે મૌન રહેવાની જરૂર નથી; નિઃસંકોચ ૧૮૧ પર એક કોલ કરીને તે પોતાના સન્માન અને સુરક્ષાની લડાઈ જીતી શકે છે સમયસર મળતી આ સહાય અનેક મહિલાઓના જીવનમાં આશાનો અજવાસ ફેલાવી રહી છે અને સમાજમાં સુરક્ષા તથા સમાનતાનો મજબૂત સંદેશ આપી રહી છે.





