અમદાવાદ જિલ્લામાં રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા યોજાયેલી ‘જન સુનવાઈ’ કાર્યક્રમમાં 40થી વધુ મહિલાઓએ રજૂઆત કરી
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરના અધ્યક્ષસ્થાને અમદાવાદ જિલ્લાના શાહીબાગ સ્થિત સ્ટેટ ગેસ્ટ હાઉસ, એનેક્ષી ખાતે વિશિષ્ટ ‘જન સુનવાઈ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ‘રાષ્ટ્રીય મહિલા આયોગ તમારા દ્વારે’ અભિયાનના ભાગરૂપે યોજાયો હતો, જે અંતર્ગત દેશના વિવિધ વિસ્તારોમાં જઈને મહિલાઓની ફરિયાદોને સીધું સાંભળવામાં આવે છે.
આ વખતે આયોજિત જન સુનવાઈ કાર્યક્રમમાં કુલ 40 જેટલી ફરિયાદો સામેલ કરવામાં આવી હતી. જેમાં અગાઉથી રજિસ્ટર થયેલી ફરિયાદો ઉપરાંત પર આવ્યા બાદ તરત અરજી કરનારી મહિલાઓને પણ તાત્કાલિક રજૂઆતની તક આપવામાં આવી હતી.
વિજયા રહાટકરે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય મહિલા આયોગે જાતે જ દૂરસ્થ વિસ્તારોમાં જઈને મહિલાઓને ન્યાય આપવાનો સંકલ્પ કર્યો છે. તેઓએ ઉમેર્યું કે આવા કાર્યક્રમો દ્વારા મહિલાઓને તેમની સમસ્યાઓ સીધી રીતે રજૂ કરવાનો અવસર મળે છે અને તેની સાથે તંત્ર પણ જવાબદારી પૂર્વક કામગીરી કરવા માટે પ્રેરિત થાય છે.
આ કાર્યક્રમમાં ખાસ તે ધ્યાનમાં લેવામાં આવ્યું કે દરેક ફરિયાદી મહિલા પોતાનું કેસ અધ્યક્ષ સમક્ષ રૂબરૂમાં રજૂ કરી શકે. તેની માટે વિશિષ્ટ રૂમ, જરૂરી બેસણી વ્યવસ્થા અને ગોપનીય વાતચીત માટે અનુકૂળ માહોલ ઉપલબ્ધ કરાયો હતો.
આ સુનાવણી દરમિયાન કેટલાંક કેસોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જેમાં 6 ફરિયાદોનું suo moto (સ્વપ્રેરિત) આધારે સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો. જ્યારે અન્ય ઘણા કેસોમાં વિગતવાર દસ્તાવેજી તપાસ પછી રાજય મહિલા આયોગ અથવા સંબંધિત જિલ્લા તંત્ર પાસે રજુ કરવાની ભલામણ કરાઈ હતી.
વિજયા રહાટકરે ખાસ જણાવ્યુ કે, “મહિલાઓ માટે ન્યાય પામવાનો રસ્તો સરળ અને સાથસંવાદી બને એ જરૂરી છે. આવા કાર્યક્રમો એ માત્ર ફરિયાદો સાંભળવાનો ઉપક્રમ નથી, પણ મહિલાઓની આત્મવિશ્વાસભરી હિમ્મતને ઉજાગર કરવાનો અવસર છે.”
આ પ્રસંગે રાષ્ટ્રીય મહિલા આયોગના તપાસ અધિકારીઓ, જિલ્લાનું વહીવટી તંત્ર અને સુરક્ષા વિભાગના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. જેમાં અમદાવાદના કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, એડીજીપી અજય ચૌધરી, એએસપી વાગિશા જોશી અને ડીસીપી ઝોન 1 નીરજ બડગુજર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
વિશિષ્ટ ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ જે વિશ્વાસપૂર્વક પોતાના સંવેદનશીલ પ્રશ્નો રજૂ કર્યા, તે આયોગ દ્વારા લોકોમાં જાગૃતિ વધારવાનો તેમજ ન્યાયપ્રણાલીને નિકટવર્તી બનાવવાનો સફળ પ્રયાસ ગણાયો છે.
આ પ્રકારના કાર્યક્રમો ગુજરાતના અન્ય જિલ્લામાં પણ યોજાવાના છે, જેથી વધુથી વધુ મહિલાઓ ન્યાય સુધી પહોંચી શકે અને તેમની અવાજ સંભળાય એ સુનિશ્ચિત થઈ શકે.