KUTCHMANDAVI

સમરસ છાત્રાલયમાં રહેવા સાથે પોષણયુક્ત ભોજન અને અત્યાધુનિક સુવિધાઓથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં ખૂબ જ મદદ મળી રહી છે.

સમરસ છાત્રાલયો વિદ્યાર્થીઓના શિક્ષણમાં મદદરૂપ થઈને જીવન ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવી રહી છે : કલ્પેશભાઈ મહેશ્વરી, વિદ્યાર્થી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ, તા -૨૨ જુલાઈ : ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા રાજ્યભરમાં અત્યાધુનિક સુવિધાસભર સમરસ છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોલેજકક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનસૂચિત જાતિ, અનસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને માટે અલગ અલગ સમરસ છાત્રાલયો કાર્યરત છે.સમરસ છાત્રાલયો વિદ્યાર્થીઓના શિક્ષણમાં મદદરૂપ થઈને કેવી રીતે તેમના જીવન ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવી રહ્યા છે તેની વાત કરતા કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના મોટી બાલાચોડ ગામના વિદ્યાર્થી કલ્પેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે, મને ભુજ ખાતે આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં ગયા વર્ષે પણ એડમિશન મળ્યું હતું અને આ વર્ષે પણ રિન્યુઅલ એડમિશન મળ્યું છે. હું હાલમાં કચ્છ યુનિવર્સિટી ખાતે એમબીએના કોર્સમાં અભ્યાસ કરી રહ્યો છું. મારું ગામ અહીંથી ૬૦ કિલોમીટર દૂર હોય સમરસ બોયઝ છાત્રાલય ભુજ મારા માટે બીજા ઘરની ગરજ સારી રહી છે.સમરસ છાત્રાલયમાં એડમિશન મળ્યું તે બાબતે આનંદની લાગણી વ્યક્ત કરીને વિદ્યાર્થી કલ્પેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે, સમરસ છાત્રાલયોમાં રહેવાની સાથે શિક્ષણ સંબંધિત અન્ય ઘણી જ સુવિધાઓ સરકારે ઉપલબ્ધ કરાવી છે. અહીં લાઈબ્રેરી, વાંચનખંડ અને કોન્ફરન્સ હોલ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓ અમારા વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખૂબ મદદરૂપ થઈ રહી છે. સરકાર રહેવાની સાથે અમને પોષણયુક્ત ભોજન મળે તેનું પણ ધ્યાન રાખી રહી છે. સમરસ છાત્રાલયમાં પોષણયુક્ત ભોજન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સમરસ છાત્રાલયોના રૂમમાં શિસ્ત સાથે સ્વચ્છ પરિસરમાં અમે વિદ્યાર્થીઓ શાંતિથી શિક્ષણકાર્ય કરી શકીએ છીએ. સમરસ છાત્રાલયોમાં સ્વચ્છતા, સુવિધાઓ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ વગેરે બાબતોને લઈને શ્રી કલ્પેશભાઈ મહેશ્વરીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને સમાજ કલ્યાણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!