GUJARATNANDODNARMADA

નર્મદા: યુનિવર્સિટી એથ્લેટિક્સ મીટ–૨૦૨૬ માં રાજપીપલાની એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજે ગૌરવની ઉંચી છલાંગ લગાવી

નર્મદા: યુનિવર્સિટી એથ્લેટિક્સ મીટ–૨૦૨૬ માં રાજપીપલાની એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજે ગૌરવની ઉંચી છલાંગ લગાવી

 

રાજપીપળા : જુનેદ ખત્રી

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આયોજિત યુનિવર્સિટી એથ્લેટિક્સ મીટ–૨૦૨૬ રાજપીપલા માટે ગૌરવભેર ક્ષણ બની રહી, જ્યાં રાજપીપલાની શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના બે હીરાઓએ પોતાની અવિરત મહેનત, અડગ આત્મવિશ્વાસ અને અદમ્ય ખેલપ્રતિભાના બળે કોલેજનું નામ યુનિવર્સિટી કક્ષાએ ગાજવી દીધું.

કોલેજના પ્રતિભાશાળી ખેલાડી અતુલ વસાવા અને સુદામ વસાવાએ વિવિધ દોડ સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કરી બે-બે મેડલ પ્રાપ્ત કરીને માત્ર મેડલ જ નહીં, પરંતુ સમગ્ર કોલેજ પરિવારના હૃદયમાં ગૌરવ અને આનંદની લાગણી ભરી દીધી છે.

અતુલ વસાવાએ પોતાની ઝડપ, શિસ્ત અને રણનીતિક દોડકલા દ્વારા ૧૫૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે ૮૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીતી પોતાની સતત મહેનત અને પ્રતિબદ્ધતાનો પરિચય આપ્યો હતો. બીજી તરફ, સહનશક્તિ અને ધૈર્યનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા સુદામ વસાવાએ ૧૦,૦૦૦ મીટર લાંબી દોડમાં સિલ્વર મેડલ તથા ૫૦૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી કોલેજના રમત ઇતિહાસમાં સોનાનો અધ્યાય ઉમેર્યો છે.

કોલેજના ઇતિહાસમાં પ્રથમવાર યુનિવર્સિટી સ્તરે આ પ્રકારની બેજોડ સિદ્ધિ પ્રાપ્ત થતાં શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજ રમતજગતમાં નવી ઓળખ સ્થાપિત કરી છે. આ સિદ્ધિ એ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન, સંકલ્પબળ અને સતત પ્રયત્નો દ્વારા કોઈ પણ શિખર અશક્ય નથી.

આ ગૌરવસભર સિદ્ધિના સન્માનરૂપે કોલેજના સ્પોર્ટ્સ ડેના શુભ પ્રસંગે કોલેજના પ્રાચાર્ય ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોલા, જીમખના કમિટીના ચેરમેન ડૉ. રાહુલ ઠક્કર તથા સમગ્ર કોલેજ પરિવાર દ્વારા બંને વિધ્યાર્થીઓનું હર્ષભેર અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને ખેલાડીઓની સિદ્ધિને બિરદાવતાં ભવિષ્યમાં પણ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વધુ ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

નિશ્ચિત રીતે, અતુલ વસાવા અને સુદામ વસાવાની આ ઐતિહાસિક સફળતા આવનારી પેઢીના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને રાજપીપલાની શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજ રમતક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ સર કરતી રહેશે.

 

 

Back to top button
error: Content is protected !!