
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ.(ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા આયોજિત પ્રાદેશિક સરસ મેળો સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર..
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં “સરસ મેળા” માં ડાંગ જિલ્લાની પ્રાકૃતિક બનાવટોએ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યુ છે,જેના પરિણામે આ ઉત્પાદનોનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે.ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે યોજાયેલા આ સરસ મેળાએ ડાંગની સ્થાનિક બનાવટોને સાર્થક કરી બતાવી છે.આ સરસ મેળાએ સ્થાનિક સખી મંડળો અને પ્રાકૃતિક અનાજ સ્ટોલ ધારકોને ઘર આંગણે જ રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડી છે.પ્રવાસીઓમાં વિવિધ બામ્બુ હસ્તકલા, હાથ વણાટ કાપડ, શો પીસ, અને લાકડાની અવનવી વસ્તુઓ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહી છે.ખાસ કરીને,વિશ્વ દેશભરમાં નામનાં મેળવી ચૂકેલ નાગલીની બિસ્કિટ, પાપડ,સહીત વિવિધ બનાવટો, વાંસનું અથાણુ, અને પ્રાકૃતિક મધ તથા પ્રાકૃતિક ચોખા જેવી ડાંગની વિશિષ્ટ બનાવટોની ભારે માંગ જોવા મળી રહી છે. આ ઉપરાંત, પ્રાકૃતિક સૌંદર્ય પ્રસાધનો પણ પ્રવાસીઓમાં લોકપ્રિય બન્યા છે.આ મેળામાં, અંબિકા સખી મંડળ રંભાસનાં પ્રમુખ અને સંચાલક દક્ષાબેન બિરારી સહીત અન્ય ઉદ્યોગસાહસિકોને પ્રાકૃતિક ધાન્ય, નાગલી પાપડ, બિસ્કિટ વગેરે બનાવટોની વધતી માંગને કારણે નોંધપાત્ર ફાયદો થયો છે.ડાંગનું પ્રાકૃતિક ધાન્ય હવે દેશભરમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે અને તેની માંગ સતત વધી રહી છે. આ મેળાએ ડાંગની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને કુદરતી સંપદાને પ્રદર્શિત કરવાની સાથે સ્થાનિક કારીગરો અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો સરસ મેળો પ્રાકૃતિક બનાવટોની સાથે સ્થાનિક કક્ષાએ રોજગારીની મહત્વની કડી પુરવાર થઈ છે.ત્યારે સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલની મઝા માણવા માટે આવતા પ્રવાસીઓએ સરસ મેળાની પણ અચૂક મુલાકાત લેવી જોઈએ..





