
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી, તા. 28 માર્ચ : કચ્છની દીકરીઓએ શિક્ષણ ક્ષેત્રે હંમેશા ડંકો વગાડ્યો છે ત્યારે માંડવીની ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયની ધોરણ-9ની વિદ્યાર્થીની કુ. જૈની મેહુલભાઈ શાહે રાજ્યકક્ષાની માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ‘ગોલ્ડન હેટ્રિક’ સર્જી છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2025-26માં લેવાયેલી આ કઠિન પરીક્ષામાં રાજ્યભરના 1,22,394 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી અર્બન વિભાગમાં જૈનીએ 120માંથી 112 ગુણ મેળવીને ટોચનું સ્થાન હાંસલ કરી શાળા, પરિવાર અને સમગ્ર કચ્છ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
વિશેષ નોંધનીય છે કે જૈનીએ આ પૂર્વે લેવાયેલી ‘પ્રખરતા શોધ કસોટી’ તેમજ ‘કોમન એન્ટ્રન્સ ટેસ્ટ’ માં પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આમ સતત ત્રણ મહત્વની પરીક્ષાઓમાં રાજ્યમાં અવ્વલ રહીને તેણે સફળતાની હેટ્રિક પૂર્ણ કરી છે. જૈનીની આ અસાધારણ સિદ્ધિ બદલ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર તેમજ શાળાના પ્રિન્સિપાલ ડો. શીતલબેન ચૌધરી સહિતના મહાનુભાવોએ તેને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
શાળા ખાતે આયોજિત એક ગરિમામય કાર્યક્રમમાં સંસ્થાના માનદમંત્રી ભરતભાઈ વેદના હસ્તે જૈનીને પુરસ્કૃત કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ પ્રિન્સિપાલ વસંતબેન સાયલ, વાઇસ પ્રિન્સિપાલ વૈદેહીબેન રાઠોડ અને પ્રિયંકાબેન વેદ (સોની) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જૈનીના પિતા મેહુલભાઈ શાહ છેલ્લા ચાર વર્ષથી માંડવી તાલુકા સંસાધન કેન્દ્રમાં કો-ઓર્ડિનેટર (BRCC) તરીકે કાર્યરત છે જેમના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ જૈનીએ ‘મોરના ઈંડા ચીતરવા ન પડે’ તે કહેવતને સાર્થક કરી બતાવી છે. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને માંડવીની શેઠ એસ.વી. કોલેજના સહાયક અધ્યાપિકા તિતિક્ષાબેન ઠક્કરે પણ જૈનીની આ વિશિષ્ટ સિદ્ધિને કચ્છના શિક્ષણ જગત માટે ગૌરવ સમાન ગણાવી અભિનંદન પાઠવ્યા હતા.








