ARAVALLIGUJARATMODASA

અરવલ્લીમાં બાળ મજૂરી સામે મોટી કાર્યવાહી : ટીંટોઈની ઉત્તમ હોટલમાંથી બે બાળશ્રમિકો મુક્ત કરાયા, સંચાલક સામે ગુનો નોંધાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં બાળ મજૂરી સામે મોટી કાર્યવાહી : ટીંટોઈની ઉત્તમ હોટલમાંથી બે બાળશ્રમિકો મુક્ત કરાયા, સંચાલક સામે ગુનો નોંધાયો

અરવલ્લી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી અભિયાન અંતર્ગત કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ટીંટોઈ ખાતે આવેલી ઉત્તમ હોટલમાં બે સગીર બાળકો પાસેથી બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ મામલે સરકારી શ્રમ અધિકારીની ફરિયાદના આધારે હોટલ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સરકારી શ્રમ અધિકારી સચિનકુમાર રામજીભાઈ બોદરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 4 જુલાઈ, 2026ના રોજ બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત ટાસ્ક ફોર્સ દ્વારા શામળાજી – મોડાસા હાઈવે પર આવેલી ટીંટોઈની ઉત્તમ હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન બે સગીર બાળકો મળી આવ્યા હતા. પૂછપરછમાં બંને બાળકો હોટલમાં સાફ – સફાઈ અને વેઈટર તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બાળકો પાસેથી વધુ કલાકો સુધી કામ લેવાતું હતું અને તેમને નિયત ધોરણ મુજબનું વેતન પણ ચૂકવવામાં આવતું ન હતું. ટાસ્ક ફોર્સે બંને બાળકોને મુક્ત કરાવી જિલ્લા બાળ સંરક્ષણ સમિતિ, અરવલ્લીને સોંપ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન શ્રમ વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઇલ્ડ હેલ્પલાઇન-1098, શિક્ષણ વિભાગ, ગાયત્રી સેવા સંસ્થા અને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના અધિકારીઓ હાજર રહ્યા હતા.આ મામલે ટીંટોઈની ઉત્તમ હોટલના સંચાલક રામજીભાઈ કસરૂભાઈ પટેલ સામે બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ સહિતની સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!