Jasdan: જસદણમાં દુકાનો તેમજ લારીધારકોને નગરપાલિકાએ સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું
તા.૧/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: જસદણના વોર્ડ નંબર ચારમાં દુકાનો તેમજ લારી ધારકોને કચરો કચરા પેટીમાં નાખી સ્વચ્છતા જાળવી સહયોગ આપવા નગરપાલિકા દ્વારા પેમ્પલેટ્સ વિતરણ કરાયા હતા.
શહેરના જૂના બસ સ્ટેન્ડથી મેઇન રોડમાં આવેલ દુકાનદારો અને લારીધારકો રાત્રે લારીઓ અને દુકાનો બંધ કરીને કચરો બહાર જાહેરમાં ફેંકતા હોવાની ફરિયાદ કરાઈ હતી.
ગંદકીના કારણે ચોમાસામાં રોગચાળો ફેલાવાનો ભય હોવાથી આ અંગે સ્થાનિકોએ નગરપાલિકામાં ફરિયાદ કરી હતી, જેનાં આધારે સેનિટેશન ચેરમેન રફિકભાઈ અને સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રતાપભાઈ સોલંકીની સૂચના મુજબ નગરપાલિકા દ્વારા તમામ દુકાનો અને લારીધારકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
નગરપાલિકાના કર્મચારીઓ સ્થળ પર પહોંચી કચરો ડસ્ટબીનમાં જ રાખવાનો અને ડોર ટુ ડોર વાહન આવે તેમાં મુકવાનો અને જો બહાર ફેંકશો તો નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરશે તેવી કડક સુચના અપાઈ હતી.
જેથી બધા લારીવાળા અને દુકાનધારકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમજ કચરો કચરાપેટીમાં નાખી શહેર સ્વચ્છ અને સુંદર રહે તે માટે યોગદાન અપાશે તેવી કટિબદ્ધતા દાખવી હતી.