વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૫ ઓક્ટોબર : કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા ધો. ૯ થી ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરતી દીકરીને રાજ્ય સરકારની કુલ ૫૦ હજારની નાણાકીય સહાય.
નમો લક્ષ્મી યોજના થકી કન્યા કેળવણીને પ્રોત્સાહન મળવા સાથે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો.
ગુજરાત સરકાર કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા વિવિધ પગલા ભરી રહી છે ત્યારે કિશોરીના પોષણ, આરોગ્ય અને શિક્ષણની ચિંતા કરીને રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૪માં અમલી કરેલી નમો લક્ષ્મી યોજનાએ રાજ્યની લાખો દીકરીઓને માધ્યમિક શિક્ષણ લેતી કરી છે. જો કચ્છની વાત કરીએ તો જિલ્લામાં વર્તમાન સમયમાં ૨૯૩૮૯ કિશોરીઓ આ યોજનાનો લાભ લઇને માધ્યમિક શિક્ષણ મેળવી રહી છે. ધો. ૯ થી ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરતી દીકરીઓને અભ્યાસ દરમિયાન કુલ ૫૦ હજારની સહાય આપતી આ યોજનાએ અનેક વાલીઓને પોતાની દીકરીઓને ભણાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. વાલીનો આર્થિક બોજ ખુદ રાજ્ય સરકારે ઉંચકી લઇને કન્યાઓના વાલીની ભૂમિકા ભજવતા તેના સુખદ પરીણામો જોવા મળી રહ્યા છે. આ યોજના થકી ધો.૮ પછી અભ્યાસ પછી છોડી દેનારી અનેક કન્યાઓ આજે માધ્યમિક શિક્ષણ માટે ધો.૯માં પ્રવેશ મેળવીને આગળનો અભ્યાસ કરતી થઇ છે. કન્યાના ડ્રોપ આઉટ રેશિયો સુધર્યો છે. આમ, ગુજરાતમાં મહિલા સશક્તિકરણની નેમ ખરા અર્થમાં સાર્થક થતી જોવા મળી રહી છે.
કચ્છમાં હાલ ૨૯૩૮૯ કિશોરીઓ આ યોજનાનો લાભ લઇ રહી છે. અત્યાર સુધી રાજ્ય સરકારે આ કન્યાઓને સહાય પેટે રૂ. ૧૭,૪૪,૯૨,૫૦૦ પુરી પાડી છે. આ યોજનાનો લાભ લેતી ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની ધો.૧૧ની છાત્રા આરના મહેતા જણાવે છે કે, આ યોજનાના કારણે મારા શિક્ષણનો ખર્ચ સરકાર મને પૂરો પાડી રહી છે. જેના કારણે મારા પરિવારને આર્થિક રાહત મળી છે. હું કોઇપણ આર્થિક ચિંતા વગર મન લગાવીને અભ્યાસ કરી શકું છું, મારા જેમ જ મારા શાળાની તેમજ કચ્છની અન્ય હજારો છાત્રાઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. જેના થકી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળ્યું છે. આર્થિક કારણોસર કે અન્ય કોઇ બાબત થકી જે વાલીઓ પહેલા ધો.૮ પછી કન્યાઓને આગળ ભણાવી ન હોતા શકતા તે વાલીઓ પણ હવે સરકારની આ યોજના દ્વારા મળતી મદદના કારણે દીકરીઓને ધો.૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરવા કટિબદ્ધ બન્યા છે. હું સરકારશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરુ છું કે, અમારા માતા-પિતાની જેમ અમારી ચિંતા કરીને તેઓ અમારા શિક્ષણનો ખર્ચ ઉઠાવી રહી છે. જેના કારણે અમે અમારા સપના પુરા કરવા સમર્થ બન્યા છીએ.નમો લક્ષ્મી યોજનાની વાત કરીએ તો, ધો. ૯ અને ૧૦ માટે કુલ ૨૦ હજારની સહાય આપવામાં આવે છે. જેમાં ૧૦ માસ સુધી ૫૦૦ અને ધો.૧૦ પાસ થયા બાદ બાકીના રૂ.૧૦ હજાર બેંકના ખાતામાં સીધા જમા થાય છે. આજ રીતે ધો.૧૧ અને ૧૨ માટે કુલ ૩૦ હજારની સહાય મળે છે. જેમાં બંને વર્ષે દર માસે ૧૦ માસ સુધી રૂ. ૭૫૦ અને ધો.૧૨ પાસ થયા બાદ બાકીના રૂ. ૧૫ હજાર મળે છે. આ સ્કોલરશીપ વિદ્યાર્થીનીની માતાના ખાતામાં જમા કરવામાં આવે છે. માતા હયાત ન હોય તે કિસ્સામાં જ રકમ છાત્રાના બેંક ખાતામાં જમા થાય છે.