નર્મદા ડાંગર પાકનું દેડિયાપાડા, સાગબારા અને નાંદોદ તાલુકામાં કુલ ૧૮૧૧ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ

નર્મદા ડાંગર પાકનું દેડિયાપાડા, સાગબારા અને નાંદોદ તાલુકામાં કુલ ૧૮૧૧ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ
તાહિર મેમણ – ડેડીયાપાડા- 08/07/2025 – લીલી વનરાજીથી આચ્છાદિત નર્મદા જિલ્લામાં ધરતી વરસાદથી જાણે સોળે કળાએ ખીલી ઊઠી છે. ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવું ઠેર ઠેર નજરે પડે છે. ત્યારે ખેતરના ક્યારામાં ડાંગરનું ધરું લોકોની આંખોને ઠારીને સ્થિર કરે છે. વરસાદી માહોલથી જિલ્લાની ધરતીના રોમરોમમાં નવા નીર અને નદીઓ, ઝદણાં, વોંકળા પાણીથી ખળખળ વહી રહ્યા છે જેથી હર્ષનો સંચાર થયો છે. જિલ્લાના ખેડૂતો ખેતી કામમાં જોતરાઈને વાવણી-રોપણી કરી રહ્યા છે. ખાસ કરીને દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં ખેડૂતો તૂવેર, ડાંગર, મકાઈ, જુવાર, કપાસની વાવણી કરતા હોય છે. આવું જ એક દેડિયાપાડાનું ગામ ટીંબાપાડા… જ્યાં પહાડોની હરિયાળી વચ્ચે ઝરણાંના ખળ ખળ લય અને વાતાવરણમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે ગૂંજાતા મોરનો ટહૂંકો જાણે ખેતીનું-વરસાદનું ગીત ગાતા હોય તેવા સુમધુર માહોલ વચ્ચે ડાંગર રોપણીનો ઉત્સવ શરૂ થયો છે.
દેડિયાપાડા પંથકના ખેડૂતો મૃદુભાષી અને પરિશ્રમી છે. તેમની આંખોમાં સપનાની ભીનાશ હોય છે અને હાથમાં માટીનો સુગંધિત સ્પર્શ થકી ડાંગરના ધરુ હોંશથી રોપી રહ્યા છે. ટીંબાપાડાના એવા જ એક ખેડૂત મૂળજીભાઈ હુનીયાભાઈ વસાવા, જેઓ પોતાની જમીનમાં ૩૧૨ નંબરની ડાંગરની જાતની પરિવાર સાથે રોપણી કરી રહ્યા છે. તેઓ હર્ષભેર કહે છે,
ટીંબાપાડા અને આસપાસના ગામોમાં હવે ખેતરોમાં પાણી ભરાયું છે, સ્ત્રીઓ ડાંગરની રોપણીમાં જોડાઈ ગઈ છે. ડાંગરના નાના બીજ-ધરૂમાંથી ઉમંગના અનેક દાણા ઊગે છે. તેમાં પોષાય છે અને પરિવારની ભુખ, ધરતીની સંપન્નતા અને આગલા વરસ માટેની આશા તેમાંથી સંતૃપ્ત થાય છે. નર્મદા જિલ્લામાં ધરતીપુત્રો પોતાનાં સ્વપ્નો ખેતરની વાવણી સાથે ઉગાડવા તૈયાર થયા છે. એટલે જ તો ભાત વિનાનું ભોજન નકામું, ભોજનમાં ભાત એ એક નોખી ભાત પાડે છે. ચોખાને પવિત્ર માનવામાં આવે છે, તે પૂજા અને પોંખવામાં પણ તેનું ખૂબ જ મહત્વ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં હાલ વરસાદી(ખરીફ) સિઝનમાં ડાંગર પાકનું દેડિયાપાડા તાલુકામાં ૧૫૬૪ હેક્ટર અને સાગબારા તાલુકામાં ૧૮૭ તથા નાંદોદ તાલુકામાં ૬૦ હેક્ટર મળી કુલ ૧૮૧૧ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જ્યારે મકાઈ ૩૫૪૦ હેક્ટર, જુવાર ૧૧૭ હેક્ટર અને કપાસનું સમગ્ર જિલ્લામાં ૨૦૦૯૦ હેક્ટર વિસ્તારમાં અત્યારસુધી વાવેતર થયું છે. તેવી જ રીતે શાકભાજીના પાકોમાં સમગ્ર જિલ્લામાં કુલ ૮૧૬ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોએ વાવેતર કરી દીધું છે.




