રૂપિયા ૨.૧૩ કરોડ જેટલી રકમ પરત અપાવતું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, આણંદ

રૂપિયા ૨.૧૩ કરોડ જેટલી રકમ પરત અપાવતું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, આણંદ
સાયબર ક્રાઇમ ફ્રોડનો બનાવ બને તો તુરંત જ સાયબર ક્રાઇમ હેલ્પ-લાઇન નંબર ૧૯૩૦ ઉપર ફરીયાદ કરવી
તાહિર મેમણ – આણંદ – 02/08/2024- આણંદ ખાતે જિલ્લામાં સાયબર ક્રાઇમ સંદર્ભે કરવામાં આવેલી કામગીરી અંગેની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જિલ્લામાં સાયબર ક્રાઇમ સંદર્ભે કરવામાં આવેલ સકારાત્મક કામગીરી જેવી કે નાગરિકોનાં સાયબર ક્રાઇમમાં બ્લોક નાણાં વિશે જાણકારી, સાયબર અવેરનેસ કાર્યક્રમ, નાણા પરત (રીફંડ) અપાવવા જેવી પ્રજાલક્ષી કામગીરી અંગે પત્રકારોને સંબોધન કર્યું હતું.
આ તકે નાયબ પોલીસ અધિક્ષકશ્રીએ સાયબર ક્રાઈમ સામેની કામગીરીમાં કેટલાંક સંજોગોમાં લોકોના બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવે છે. તે નીતિમાં પણ નોંધપાત્ર સુધારો કરીને હવે જેટલા અંશે છેતરપિંડી થઈ હોય તેટલા અંશે એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે સાયબર ક્રાઈમ અંગેના ગુનાઓ બાબતે આણંદ જિલ્લા પોલીસ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષ ૨૦૨૪માં જિલ્લામાં સાયબર ફ્રોડના ભોગ બનેલ નાગરીકોની હોલ્ડ થયેલ લગભગ રૂપિયા ૨.૭૪ કરોડ જેટલી રકમની સામે રૂપિયા ૨.૧૩ કરોડ જેટલી રકમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, આણંદ દ્વારા નાગરિકોને રીફંડ (પરત) કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
વધુમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રીએ સાયબર ક્રાઇમના પ્રકાર, તેની મોડસ ઓપરેન્ડી, સાયબર કાઇમથી બચવાના ઉપાયો તથા સાયબર ક્રાઇમનો ભોગ બનેલ વ્યક્તિઓ દ્વારા તાત્કાલિક કરવાની થતી કાર્યવાહી અંગે નાગરીકો માહિતગાર કરવા જિલ્લામાં સાયબર ક્રાઈમ અંગે જનજાગૃતિ કરવાના હેતુથી ચાલુ વર્ષે કુલ ૩૩ જેટલા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હોવાની જાણકારી આપી હતી.
તેમજ પ્રેસ કોન્ફરન્સમાં સાયબર ક્રાઇમથી બચવા માટે જિલ્લાના નાગરિકોએ સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિનો વિડીયો કોલ કે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહીં, પોતાના પીન નંબર-ઓટીપી-સીવીવી કે ક્યુઆર-કોડ જેવી અગત્યની માહિતી અજાણ્યા વ્યક્તિને ના આપવા, પાસવર્ડને સુરક્ષિત રાખવા અને નિયમિત પણે બદલતા રહેવા, વેબસાઈટના ઉપયોગ વખતે તેમાં ” https” હોય તે ખાસ જોવા, કોઈ કાર્ડ કે સીમકાર્ડની વેલીડીટી અંગે/કેવાયસી(kyc) રીન્યુ કરવા/ ખાતું ચાલુ કે બંધ કરવા/એક્ટિવિટી વગેરેને લગતા ફોન કે મેસેજ પર જવાબ આપવાનું ટાળવું, ફ્રી-લોન/ ફ્રી-ઇન્ટરનેટ/ ફ્રી-ગિફ્ટ જેવી લાલચમાં ખરાઈ કર્યા વગર અજાણી લિંક પર ક્લિક ના કરવા, કોઇપણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર મિત્ર બની માહિતી કે રૂપિયાની માંગણી કરે તો રૂપિયા કે માહિતી ના આપવા તથા સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન જેવી કે ક્વીક સપોર્ટ, એની ડેસ્ક, ટીમ વ્યુવર, વગેરે જેવી એપ્લિકેશન ડાઉનલોડ ના કરવા જેવાં અગત્યના સૂચનો આપવામાં આવ્યા છે. વધુમાં જો કોઇપણ વ્યક્તિ સાથે સાયબર ક્રાઇમ ફ્રોડનો બનાવ બને તો તુરંત જ સાયબર ક્રાઇમ હેલ્પ-લાઇન નંબર ૧૯૩૦ ઉપર ફરીયાદ નોંધાવવા જણાવવામાં આવ્યું છે.




