
ઐતિહાસિક નગરી રાજપીપળા જીન કમ્પાઉન્ડ ખાતે ૧૦૮ કૂંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું
રાજપીપલા : જુનેદ ખત્રી
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ, હરિદ્વારના આશીર્વાદન અને માર્ગદર્શનમાં ૧૦૮ કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું આયોજન રાજપીપળા નગરમાં કરવામાં આવ્યું છે. યુગઋષિ, વેદમૂર્તિ તપોનિષ્ઠ, પરમ આદરણીય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા સ્થાપિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની રાજપીપળા શાખા દ્વારા ૧૦૮ કૂંડી શક્તિ સંવર્ધન ગાયત્રી યજ્ઞનું તા.૨૨ થી ૨૫ જાન્યુઆરી-૨૦૨૫ દરમ્યાન જીન કમ્પાઉન્ડ મેદાન શ્રી હરસિધ્ધિ માતાના મંદિર સામે રાજપીપળા ખાતે કરવામાં આવ્યું છે. આ યજ્ઞ દરમ્યાન યુવા સંમેલન, મહિલા સંમેલન, ગર્ભોત્સવ સંસ્કાર, દીક્ષા સંસ્કાર, વિદ્યાઆરંભ સંસ્કાર, મુંડન સંસ્કાર જેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, આ યજ્ઞના તમામ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈપણ ફી નથી અને ગાયત્રી પરિવાર, રાજપીપળા, શાખાના જણાવ્યા પ્રમાણે તમામ સંસ્કારો પણ નિશુલ્ક આપવામાં આવશે. આ કાર્યક્રમના ભાગરૂપે સાહિત્ય, સ્ટોલ અને વિવિધ પ્રદર્શનો પણ રાખવામાં આવ્યા છે. જેનો જાહેર જનતા ભાવિકોને લાભ લેવા અપિલ કરવામાં આવી છે



