સાગબારા તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટેનો પરિણામલક્ષી પ્રયાસ
કાકરપાડા ગામે “આત્મા પ્રોજેક્ટ” અંતર્ગત પ્રાકૃતિક કૃષિ તાલીમ શાળા યોજાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીને ઉમદા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવે તે દિશામાં “આત્મા યોજના” અંતર્ગત ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા છે.
પ્રાકૃતિક ખેતીને વેગવાન બનાવવા માટે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત સાગબારા તાલુકાના કાકરપાડા ગામે પાંચ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ હતી. પ્રાકૃતિક કૃષિ આજે સમયની માગ છે. આ તાલીમમાં ખેડૂતોને રાસાયણિક ખેતીથી થતાં નુકસાન અને પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે સમજ આપવામાં આવી હતી. ઉપરાંત જીવામૃત, બીજામૃત, આચ્છાદાન, વાફસા અને જૈવ વિવિધતાને બનાવવા અને છંટકાવ અંગેની ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, રાસાયણિક ખેતીના કારણે બિમારીઓનું પ્રમાણ વધ્યું છે. બિનજરૂરી દવાઓ અને ખાતરોના વધુ પડતા ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, વેચાણ અને આવક ઘટી છે. તેની સરખામણીમાં પ્રાકૃતિક ખેતી કેવી રીતે આવનાર પેઢી માટે આશિર્વાદરૂપ નિવડી શકે છે. નર્મદા જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજતા થયા છે.