
આદિવાસી વિસ્તારોમાં પ્રજાને મૂળભૂત અધિકારોનો લાભ આપવા સમસ્ત આદિવાસી સમાજ રાજપીપલા દ્વારા નર્મદા જિલ્લા કલેકટરને રજૂઆત કરાઈ
આદિવાસી સમાજ દ્વારા દરેક ગામોને સ્વતંત્ર ગ્રામપંચાયત સહિત મૂળભૂત બંધારણીય હક્કોની માંગ કરાઇ
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપલા કલેકટર કચેરી ખાતે આજે મહેશભાઈ વસાવા માજી રાજપીપલા પાલિકા પ્રમુખ સહિતના આદિવાસી આગેવાનોએ સમસ્ત આદિવાસી સમાજ,નર્મદા જીલ્લો રાજપીપલા ના નેજા હેઠળ આદિવાસીઓના મૂળભૂત અધિકાર અને બંધારણીય લાભોની માંગને લઈને એક આવેદન પત્ર આપ્યું છે
આવેદનમાં જણાવ્યું છે કે આપણો ભારત દેશ આઝાદ થયો ને ૭૫ વર્ષ પૂરા થયા છતાં ભારત દેશની પાંચમી અનૂસૂચિના તથા ભારત દેશના આદિવાસી વિસ્તારોમાં બંધારણીય લાભો હજુ સુધી મર્યા નથી જે ખુબ જ દુ:ખ જનક અને અપમાન જનક બાબત છે માત્ર મતબેંક તરીકે આદિવાસી વિસ્તારોનો અને આદિવાસી સમાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ અને આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ મુજબ આદિવાસી ભારત દેશનો મૂળ માલિક છે. છતાં ભારત દેશના બંધારણના અધિકારો આપવામાં ભારત સરકાર આજ દિન સુધી નિષ્ફળ ગઇ છે. જેથી વહેલી તકે નીચે મુજબના અધિકારો ઝડપથી આદિવાસી સમાજને આપવામાં આવે તેવી સમસ્ત આદિવાસી સમાજ નર્મદા જીલ્લાના આગેવાનો ની માંગણી છે.
(૧) ભારતીય બંધારણની પાંચમી અનૂસૂચિનો સંપૂર્ણ અમલ થવો જોઇએ (૨) ભારત દેશના તમામ શિક્ષિત યુવાનોને લાયકાત મુજબ સરકારી કાયમી નોકરી મળવી જોઇએ અને MP/MLA અને રાષ્ટ્રપતિ/રાજયપાલને મળે છે તેવા પગાર ભથ્થા અને પેન્સન જેવા મહત્વના હકો મળવા જોઇએ (૩) પાંચમી અનૂસૂચિના તમામ વિસ્તારોમાં દરેક ગામોમાં આધુનિક સ્કૂલ બીલ્ડીંગ અને ઉચ્ચ શિક્ષણની સુવિધા હોવી જોઇએ (૪) દરેક તાલુકે આધુનિક વિવિધ ઉચ્ચ કક્ષાની કોલેજો હોવી જોઇએ (૫) દરેક જીલ્લા કક્ષાએ યુનિવર્સીટી હોવી જોઇએ.
(૬) ભારતીય બંધારણ મુજબ દરેક ગામમાં સ્વતંત્ર ગ્રામ પંચાયત હોવી જોઇએ નર્મદા જીલ્લામાં ૩૦૦/ગામો સ્વતંત્ર ગ્રામ પંચાયતથી અને ગુજરાતના ૪૫૬૭ ગામડાઓ ગ્રામ પંચાયતથી વંચીત છે (૭) વહીવટી સરળતા માટે દરેક તાલુકે ધારા સભ્યની બેઠક હોવી જોઇએ (૮) ભારત દેશની સંસદમાં જીલ્લા કક્ષાનો સંદેશો પહોંચાડવા દરેક જીલ્લે સંસદ સભ્યની બેઠક હોવી જોઇએ (૯) ભારત દેશના તમામ નાગરીકોને શિક્ષણ અને રોજગારી મળવી જોઇએ (૧૦) સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળ કાયદો રદ થવો જોઇએ.
(૧૧) ૭૩ અ-અ વાળી જમીન બીન આદિવાસીના નામે થવા ઉપર પ્રતિબંધ હોવા જોઇએ (૧૨) આદિવાસીઓમાં થતા સિકલ સેલ એનીમીયા રોગને જડ મૂળ માંથી નાશ થાય તેવી દવાની શોધ કરવા વિનંતી (૧૩) આદિવાસી વિસ્તારોમાં યુવાનોને રમત-ગમત અને સંગીત ક્ષેત્રે આગળ લાવા માટે વિવિધ એકેડમીની સ્થાપના થવી જોઇએ (૧૪) IAS/IPS/GPSC/તેમજ ઉચ્ચ કક્ષા ની પરીક્ષા પાસ કરવા માટેની સરકાર તરફથી તાલીમ આપવામાં આવે તેવી વિનંતી.
(૧૫) ખેડૂતોને સરકારી સહાય અને તેની ઉપજોનો યોગ્ય ભાવ મળવો જોઇએ (૧૬) દરેક તાલુકે અને જીલ્લા વડા મથકે આદિવાસી ભવન બનવું જોઇએ (૧૭) ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની જાહેર રજા હોવી જોઇએ (૧૮) સરકારની વનબંધુ યોજનાનું નામ રદ કરી આદિવાસી યોજના નામ આપવું જોઇએ (૧૯) દરેક ગામમાં ખેલકુદ અને રમત-ગમત તથા સાંસ્કૃતિક ઉજવણી માટે મેદાન હોવું જોઇએ (૨૦) ધંધા રોજગાર કરવા લોન અને ૫૦% સબસીડી મળવી જોઇએ (૨૧) આદિવાસી ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી માટે બોર બનાવી આપવા વિનંતી.



