
સાગબારા બજારમાં AAPનો ડોર-ટુ-ડોર પ્રચાર, ધારાસભ્ય ચૈતર વસાવાનો જનસંપર્ક તેજ

તાહિર મેમણ – ડેડીયાપાડા – 16/05/2026 – નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ઝઘડિયા વિધાનસભાના નેત્રંગ તાલુકા તેમજ સાગબારા તાલુકામાં વ્યાપક ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો. આ પ્રચાર દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારા બજાર વિસ્તારમાં તેમજ આસપાસના વિસ્તારોમાં ઘર-ઘર જઈને લોકો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો. તેમણે દુકાનદારો અને સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપવા અપીલ કરી હતી. પ્રચાર દરમિયાન સ્થાનિક લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ચૈતર વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત પ્રદર્શન કરશે અને લોકોના સહકારથી જીત હાંસલ કરશે. આમ આદમી પાર્ટી દ્વારા આ પ્રચાર અભિયાનને વધુ વિસ્તૃત બનાવવાની યોજના છે અને આવનારા દિવસોમાં વધુ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર અભિયાન તેજ બનાવવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકો સુધી પાર્ટીની વિચારધારા અને કાર્ય પહોંચાડી શકાય.



