નર્મદા જિલ્લામાં નવા તાલુકાને મંજૂરી , ડેડીયાપાડા માંથી ચિકદા નવો તાલુકો બન્યો
રાજ્યમાં નવા ૧૭ તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી; રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે ૨૬૫
• ૨૦૧૩ પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર
રાજપીપળા : જુનેદ ખત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના ૨૧ તાલુકામાંથી નવા ૧૭ તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મંત્રીમંડળના આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વહીવટી સરળીકરણનો જે વિચાર આપ્યો છે, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વર્તમાન રાજ્ય સરકાર વેગવંતો બનાવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યના શાસનમાં વહિવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે તેમજ નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ થાય તેવા પ્રજાહિતલક્ષી ઉદાત્ત અભિગમથી આ નવા ૧૭ તાલુકાઓની રચનાને મંજૂરી આપી છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ હતું.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નવા તાલુકાઓની રચના અંગેની વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહિવટમાં વધુ સશક્ત બનાવવા ATVT એટલે કે, આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાની વિભાવના આપી હતી. વર્ષ ૨૦૧૩માં નવા ૨૩ તાલુકાઓની તેમણે કરેલી રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં ૧૭ નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે.
જોકે નર્મદા જિલ્લામાં હાલ પાંચ તાલુકાઓ અસ્તિત્વ ધરાવે છે જેમાં ડેડીયાપાડા તાલુકામાંથી હવે ચિકદા નવો તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે જેનું મુખ્ય મથક પણ ચીકદા રહેવાનું છે જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પેહલા સરકારની આ મોટી જાહેરાત કહી શકાય નર્મદા જિલ્લાની રચના 2 ઓક્ટોબર 1997 ના રોજ કરવામાં આવી હતી. શરૂમાં નર્મદા જિલ્લામાં ભરૂચ જિલ્લાના નાંદોદ, ડેડિયાપાડા, સાગબારા તથા વડોદરા જિલ્લાના તિલકવાડા તાલુકા ઉમેરવામાં આવ્યા હતા. બાદમાં, નવા ગરૂડેશ્વર તાલુકા ની રચના 18 ફેબ્રુઆરી 2014 ના રોજ કરવામાં આવી હતી. હવે નવા તાલુકો ચિકદા સાથે જિલ્લામાં કુલ ૦૬ તાલુકા થઈ ગયા છે