NANDODNARMADA

નર્મદા જિલ્લા પંચાયતની જીત બાદ વિજય યાત્રામાં ગર્જ્યા અરવિંદ કેજરીવાલ

નર્મદા જિલ્લા પંચાયતની જીત બાદ વિજય યાત્રામાં ગર્જ્યા અરવિંદ કેજરીવાલ

 

નર્મદાથી ઉઠેલી બદલાવની ચિંગારી હવે સમગ્ર ગુજરાતમાં ફેલાશે: કેજરીવાલ

 

નર્મદામાં ત્રીજી પાર્ટીની સરકાર બનાવી જનતાએ ઇતિહાસ રચ્યો: કેજરીવાલ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે આ અવસરે આમ આદમી પાર્ટી દ્વારા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ’વિજય યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આ ભવ્ય વિજય યાત્રામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

રાજપીપળામાં આયોજિત વિજય યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નર્મદાની જનતાનો આભાર વ્યક્ત કરીને પોતાનું વ્યક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના લોકોએ અમને આટલો પ્રેમ આપ્યો અને સહકાર આપ્યો અને આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતમાં સરકાર બનાવી એ બદલ આજે હું આપ તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે નર્મદા આવ્યો છું. અગાઉ રાજ્ય સ્તરે હોય કે જિલ્લા સ્તરે ગુજરાતમાં હંમેશા ફક્ત બે પાર્ટીઓની સરકાર બનતી હતી, કોંગ્રેસ અથવા તો બીજેપી. લોકો કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજી પાર્ટીની સત્તા આવવી શક્ય નથી. પરંતુ ગુજરાતમાં પહેલીવાર નર્મદા જિલ્લાના લોકોએ ત્રીજી પાર્ટીની એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી. આ વાતથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના લોકો બદલાવ ઈચ્છે છે. નર્મદા જિલ્લાના લોકોએ આજે જે કરીને બતાવ્યું છે, એવું જ કામ હવે ગુજરાતના લોકો કરી બતાવશે. આદિવાસી ક્ષેત્રમાંથી જે ચિંગારી નીકળી છે એ આગળ વધશે અને આમ આદમી પાર્ટી 2027માં વિધાનસભામાં પોતાની સરકાર બનાવશે.

વધુમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 30 વર્ષથી ભાજપના ભ્રષ્ટાચાર – દમન લોકો ભોગવી રહ્યા છે, ઈચ્છે એને ખોટા કેસમાં જેલમાં નાખી દે છે અને ડરાવે ધમકાવે છે, અને બીજેપી અને કોંગ્રેસ બંને આમાં મળેલા છે. આજે ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર કોંગ્રેસ બીજેપીને સપોર્ટ કરી રહી છે. કોંગ્રેસ પાસે જ્યાં ઉમેદવાર નથી ત્યાં ભાજપ એને ઉમેદવાર આપી રહી છે. ભાજપના નેતા એ જ કહ્યું કે “કોંગ્રેસ પાસે જ ઉમેદવાર નહોતા ત્યાં ભાજપે ઉમેદવાર આપ્યા” તો આ રીતનો ભાઈચારો છે એ બંનેમાં. આ બંને ભેગા મળીને લૂંટે છે, બંનેના એક સાથે વેપાર ધંધા ચાલે છે, બંનેના સંબંધો ચાલે છે, તો આ રીતે બંને અલગ અલગ પાર્ટી નથી પરંતુ બંને મળીને ગુજરાતને લૂંટી રહ્યા છે. ફક્ત આમ આદમી પાર્ટી જ જનતા માટે લડત લડી રહી છે. આજે કોંગ્રેસના નેતાઓ જેલ નથી જતા પરંતુ તમારા નેતા ચૈતર વસાવા જેલમાં ગયા હતા. ચૈતર વસાવાને ઘણા દિવસ સુધી જેલમાં રાખ્યા હતા એના વિરોધમાં કડક તમાચો માર્યો છે આદિવાસી વિસ્તારના લોકોએ નર્મદામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતની સરકાર બનાવીને. સંગીતાબેન અને અંજનાબેનને હું કહીશ કે આજે ફક્ત ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશ તમને જોઈ રહ્યો છે. નર્મદા જિલ્લામાં જે આપણી સરકાર બની છે, તેમાં હવે આપણે ખૂબ જ સારું કામ કરવાનું છે, ઈમાનદારી સાથે કામ કરવાનું છે, લોકોની સેવા કરવાની છે, લોકોએ જે વિશ્વાસ આપ્યો છે એ વિશ્વાસ પર ખરું ઉતરવાનું છે. એટલું સારું કામ કરવાનું છે કે સમગ્ર ગુજરાતના લોકો કહે કે “જુઓ નર્મદા જિલ્લામાં કેટલું સારું કામ થઈ રહ્યું છે” તો નર્મદા જિલ્લાના લોકોએ જેટલો પણ પ્રેમ આપ્યો એ બદલ હું આપ સૌનો ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું.

આ યાત્રામાં જનતાને સંબોધન કરતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે ૩૫ વર્ષ અને ભાજપે ૩૦ વર્ષ શાસન કર્યું, પરંતુ બંને પક્ષોએ લોકોના કામ કરવાની જગ્યાએ કાકા-ભત્રીજાની રાજનીતિ કરીને જિલ્લા પંચાયત ચલાવી છે. તેની સામે આ વખતે નર્મદાની જનતાએ આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમતી આપી છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અંજનાબેન તથા ઉપપ્રમુખ તરીકે સંગીતાબેનની વરણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ જીત માત્ર આમ આદમી પાર્ટીની નહીં પરંતુ નર્મદાની જનતા, ગુજરાતની જનતા અને બદલાવ ઈચ્છતા દરેક વ્યક્તિની જીત છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓ માટે અલગ ધર્મ કોલમ, અલગ સ્થાન અને અલગ જનગણના જરૂરી છે. જો સરકાર આદિવાસીઓને અલગ ધર્મ કોડ નહીં આપે તો આદિવાસીઓ પોતાનો ધર્મ અને જાતિ અલગ રીતે નોંધાવશે અને આદિવાસીઓની અનામત ખતમ કરવાની જે મૂડીવાદી સરકારની નીતિ છે તેનો વિરોધ કરવામાં આવશે. તેમણે ચેતવણી આપી હતી કે જો અલગ ધર્મ કોલમ અને અલગ ધર્મ કોડ નહીં બનાવવામાં આવે તો આવનારા દિવસોમાં જાતિગત જનગણનાનો પણ વિરોધ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે અમારી લડાઈ કોઈ વ્યક્તિ સામે નથી, પરંતુ એવી સરકાર સામે છે જેણે ત્રણ હજાર કરોડની પ્રતિમા બનાવી પરંતુ જાપડ ગામ, જૂના રાજગામ અને તુંબડાવાડી જેવા ગામોના રસ્તા બનાવ્યા નથી, લોકોને આરોગ્ય, શિક્ષણ અને રોજગારી આપી નથી.

 

ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર વ્યવસ્થા સામે છે, જેમણે આદિવાસી વિસ્તારોના યુવાનોને રોજગારી આપી નથી. એક બાજુ નર્મદા ડેમનું પાણી કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી લઈ જવામાં આવે છે, પરંતુ ઉકાઈ ડેમ અને કરજણ ડેમના વિસ્થાપિતોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે હવે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની સરકાર આવી છે અને જો નર્મદા જિલ્લો, છોટાઉદેપુર અને દાહોદના આદિવાસી વિસ્તારો સુધી પાણી નહીં પહોંચે તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ પણ બંધ કરાવવાની લડત ચલાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આ આદિવાસીઓની તાકાત છે અને અમે આદિવાસી છીએ, વનવાસી નથી. અમને વનવાસી સાબિત કરવાનો પ્રયાસ કરનારાઓને કહી દઈએ છીએ કે આદિવાસીઓ અંગ્રેજો સામે ઝુક્યા નહોતા અને તમારી સામે પણ ઝુકવાના નથી. તેમણે જણાવ્યું હતું કે આજે પણ જિલ્લામાં ૧૨,૩૩૩ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા કે મોટા કૉરિડોર બનાવવા સામે અમને વાંધો નથી, પરંતુ આ વિસ્તારમાં અનુસૂચિત પાંચમો વિસ્તાર કાયદો લાગુ કરવામાં આવ્યો નથી. તેમણે ખાતરી આપી હતી કે અનુસૂચિત પાંચમો વિસ્તાર કાયદો અને પેસા કાયદો લાગુ કરવા, આદિવાસીઓને જંગલની જમીન અપાવવા, સિંચાઈનું પાણી, શિક્ષણ અને આરોગ્યની સુવિધા આપવા માટે આમ આદમી પાર્ટી આગળ પણ લડતી રહેશે.

Back to top button
error: Content is protected !!