રાજપીપલા સ્થિત પટેલ છાત્રાલય ખાતે જિલ્લાકક્ષાનો ભૂલકા મેળો યોજાયો
રાજપીપલા : જુનેદ ખત્રી
મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગર દ્રારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ “પા પા પગલી “અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજપીપલા સ્થિત પટેલ છાત્રાલય ખાતે આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંગભાઇ તડવીની અધ્યક્ષતામાં ભૂલકા મેળો યોજાયો હતો. જેમાં નર્મદા જિલ્લાના પાંચ તાલુકાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી એ જણાવ્યું કે, દરેક વ્યક્તિના જીવનમાં સૌથી ઉચ્ચ કોટિનું સ્થાન રહેતું હોય તો તે ગુરૂજનોનું હોય છે. આંગણવાડી કાર્યકર બહેનો નાના ભૂલકાંઓને માતા-પિતા કરતાં વધુ હેત વરસાવી પ્રેમભાવ અને લાગણી સાથે સંસ્કારોનું સિંચન કરી દેશના ભવિષ્યને સાચી દિશા આપવાનું ખૂબજ કઠિન કાર્ય કરી રહ્યાં છે તે પ્રસંશનીય અને ખરેખર મૉં – ગુરૂ કરતાં વધુ ઉચ્ચ સ્થાને રહ્યાં છે. નાના ભૂલકાંઓને શિક્ષણ આપવું ખૂબજ કપરું હોય છે ત્યારે નાના ભૂલકાંના માતા-પિતાએ આંગણવાડી કાર્યકર બહેનો ઉપર ભરોષો રાખી તેમના બાળકોને સોંપતા હોય છે, જેનું પરિણામ આજે આ સ્ટેજ પર બાળકો દ્વારા પ્રસ્તૃત થયેલી વિવિધ કૃતિના માધ્યમથી જોવા મળ્યું છે. ભૂલકાં મેળાના આયોજન થકી દેશના ભાવિને સાચી દિશા આપવાનું કામ થઈ રહ્યું છે. બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટેનો આ એક ઉત્તમ પ્રયાસ છે. આ મેળાના માધ્યમથી દર્શાવવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ ભૂલકાંઓને આકર્ષી રહ્યાં છે ભૂલકા મેળામાં સરળ ભાષામાં બાળકોને જ્ઞાન પિરસાઇ રહ્યુ છે અને નવી ઊર્જા સાથે પ્રેરણા પણ પુરી પાડે છે. આ મેળામાં આવેલાં ભૂલકાંઓ કંઈક નવું શીખીને, ભાથું લઈને જશે અને પોતાના જીવનને ઉન્નત બનાવી દેશના ભવિષ્યને વધુ મજબૂત બનાવવામાં સહભાગી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભૂલકા મેળાના સફળ આયોજન બદલ આઇ.સી.ડી.એસ. વિભાગને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.