NANDODNARMADA

રાજપીપલામાં રક્તપિત્ત જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજાઈ : રક્તપિત્ત મુક્ત બનાવવાની શપથ લેવડાવતા ડો. દર્શનાબેન દેશમુખ

રાજપીપલામાં રક્તપિત્ત જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજાઈ : રક્તપિત્ત મુક્ત બનાવવાની શપથ લેવડાવતા ડો. દર્શનાબેન દેશમુખ

રાજપીપલા : જુનેદ ખત્રી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ રક્તપિત્તના દર્દીઓ માટે કરેલા સેવાકીય કાર્યોથી સૌ કોઈ વાકેફ છે, બાપુના આ સેવાકીય કાર્યને સાચી શ્રદ્ધાંજલી આપી સેવામાં ચીંધેલા આ માર્ગ પર આગેકૂચ કરવાના ઉમદા આશય સાથે “ગાંધી નિર્વાણ દિવસ” નિમિત્તે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે રાજપીપલાના જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં નર્મદા જિલ્લા સહિત ભારતને રક્તપિત્ત મુક્ત બનાવવાની સૌ કોઈને શપથ લેવડાવી “સ્પર્શ” રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન અંતર્ગત આયોજિત રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, રક્તપિત્ત રોગ પૂર્વ જન્મનાં પાપ કે શ્રાપનું પરિણામ નથી, વહેલું નિદાન, નિયમિત સારવાર અને કાળજીથી રક્તપિત્તને જડમૂળથી સમાપ્ત કરી શકાય છે. રક્તપિત્તથી પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો ન પડે તે માટે રક્તપિત્ત અંગે ગેરમાન્યતાઓ દૂર કરી લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. વધુમાં તેઓએ રક્તપિત્ત વિશે લોકોમાં જાગૃતિ વધારવા અને પીડિત દર્દીઓ માટે તેની સારવારને સઘન બનાવી નર્મદા જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

રક્તપિત્ત વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે જુની સિવિલ હોસ્પિટલથી રેડક્રોસ બ્લડ બેંક રાજપીપલા સુધી યોજાયેલ રેલીમાં નર્સિંગ સ્ટાફ દ્વારા રેલીમાં બેનર્સ, પ્લેકાર્ડ્સના માધ્યમથી લોકોને અનેક સ્લોગનો થકી રક્તપિત્ત અંગે જાગૃત કર્યા હતા. જેમાં આ રેલીને રાજપીપલાના નગરજનોનો આવકાર મળ્યો હતો. ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ રેલી જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવાના ઉમદા પ્રયાસોને વધુ મજબુત કરશે.

નર્મદા જિલ્લામાં મહાત્મા ગાંધી નિર્વાણ દિવસથી તા. 13મી ફેબ્રુઆરી એટલે કે એક પખવાડિયા સુધી ચાલનાર આ અવેરનેસ કેમ્પેઈનનો ઉદ્દેશ્ય લોકોમાં રક્તપિત્ત રોગ બાબતે જાગૃતિ લાવવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજપીપલા ખાતે રક્તપિત્ત નિવારણ કાર્યક્રમ સિવાય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૪ડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જન્મજાત ખોડ, ઉણપ, રોગ અને વિકાસલક્ષી વિલંબ તથા વિકલાંગતા ધરાવતા બાળકોના આરોગ્યની તપાસણી કરાઈ હતી.

બોક્ષ

૧. જાણો રક્તપિત્ત વિશે સત્ય હકીકત

– રક્તપિત્ત જંતુજન્ય રોગ છે અને સંપૂર્ણપણે મટી શકે છે, તે પૂર્વજન્મના પાપ કે શ્રાપનું ફળ નથી. રક્તપિત્ત વારસાગત રોગ પણ નથી અને કોઈ બાળક આ રોગ સાથે જન્મતુ પણ નથી. ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પર્શજ્ઞાનનો અભાવ, ચામડી પર ચાઠું રક્તપિત્ત હોઈ શકે છે.

૨. રક્તપિત્તથી બચવા માત્ર આટલું કરો

– રક્તપિત્તથી ગભરાશો નહિ, તેનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. જેનો લાભ લઈને જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા સહભાગી બનો. રક્તપિત્તગ્રસ્તોને સન્માનપૂર્વક જીવવા માટે પ્રોત્સાહિત કરો. સમાજને ઉપયોગી બનવા તેમનો સ્વીકાર કરો અને આ રોગથી પીડાતા લોકોને મદદ કરો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!