સાગબારા તાલુકાના ચોપડવાવ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરાઇ
તાહિર મેમણ – ડેડીયાપાડા – 11/10/2025 – નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ “The Girl I Am, The Change I Lead – Girls on the Frontlines of Crisis” થીમ હેઠળ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ પ્રાથમિક શાળા તેમજ સાગબારા તાલુકાના ચોપડવાવ પ્રાથમિક શાળામાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયત નાંદોદ શ્રીમતી વનિતાબેન વસાવા તથા સાગબારા તાલુકાના પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમ દરમિયાન તેજસ્વી તથા પ્રતિભાશાળી દીકરીઓને સન્માનિત કરવામાં આવી તેમજ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર દીકરીઓનું પણ સન્માન થયું. “વ્હાલી દીકરી યોજના” હેઠળ લાભાર્થી દીકરીઓને આદેશપત્ર તથા યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ પ્રમુખશ્રીઓ દ્વારા દીકરીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી સાથે પોક્સો અધિનિયમ તથા બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ અંગે પણ વિગતવાર સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતમાં દીકરીઓને આત્મરક્ષા કળા (Self Defence) ની માહિતી આપવામાં આવી હતી. આમ, જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત વિવિધ યોજનાઓ લાભ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ અવસરે મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી જે. બી. પરમાર અને સ્ટાફ, એચ ઈ ડબલ્યુ, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર,181 અભયમ હેલ્પલાઇન, પોલિસ સી ટીમ તથા શૈક્ષણિક ક્ષેત્રે તથા આરોગ્ય તથા આંગણવાડી કાર્યકરો સાથે શાળાઓની દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં