NANDODNARMADA

નર્મદા : સમગ્ર ગુજરાત અને તેમાય દક્ષિણ ગુજરાતનું બહુમુખી અણમોલ રતન એટલે “સ્વ. રત્નસિંહજી મહિડા”

નર્મદા : સમગ્ર ગુજરાત અને તેમાય દક્ષિણ ગુજરાતનું બહુમુખી અણમોલ રતન એટલે “સ્વ. રત્નસિંહજી મહિડા”

 

બોક્ષ

પ્રતિષ્ઠિત સમાજ સુધારક શિક્ષણવિદ્ સ્વ. રત્નસિંહજી મહિડાએ વર્ષ ૧૯૫૭ બાદ સ્થાપેલી બાલમંદિરથી માંડી મહાવિદ્યાલય શૈક્ષણિક સંસ્થાઓમાં આદિવાસી તેમજ અન્ય સમાજના બાળકો, વિદ્યાર્થીઓ આ શિક્ષણ યજ્ઞનો લાભ લઇ રહ્યા છે ૭૨ જેટલી આશ્રમશાળા શૈક્ષણિક સંસ્થાઓ વટવૃક્ષની જેમ વિકસિત આદિવાસી બાળકોને વિનામૂલ્ય શિક્ષણની અમૂલ્ય તક

 

સુરત જિલ્લાના કોસાડી ગામમાં ૨૦ જુલાઈ ૧૯૧૫ ના રોજ રત્નસિંહજી નો ગરીબ રાજપૂત કુટુંબમાં જન્મ થયો કર્મભૂમિ રાજપીપલા બનાવી

રાજપીપળા : જુનેદ ખત્રી

 

પૂજ્ય ગાંધીજીના પ્રિય ભજનને સેવાભાવી લોકો જીવનમાં તેના મર્મને ઉતારીને સમજી જીવન પર્યંત આ ઉક્તિને આત્મસાત કરીને જીવન સમર્પિત કરનારા વિરલાઓ જગતમાં પડ્યા છે. એક મુઠ્ઠી આ ઊંચેરા મહામાનવો આ ધરતીમાં પાક્યા છે. તેઓના જીવન કાર્યોની સુવાસ આજે પણ ધરતીનો ધબકાર બની સદાય મહેકતી રહે છે. દેશને આઝાદી અપાવવામાં અનેક વિરલાઓએ આપેલી કુરબાની બલિદાન પછી દેશને મહામૂલી આઝાદી મળી છે. તે સૌ વીરોને વંદન, અભિનંદન.

આજે આપણે દક્ષિણ ગુજરાતના ભરૂચ-નર્મદા જિલ્લામાં જમીની હકીકતમાં ધરતીનું અણમોલ રતન સ્વ. શ્રી રત્નસિંહજી મહિડા વિશે વાત કરીએ તેમની સેવા ધૂપસળીની જેમ આજે પણ સદાય મહેકતી રહી છે.

 

સુરત જિલ્લાના કોસાડી ગામમાં ૨૦મી જુલાઈ ૧૯૧૫માં એક ગરીબ રાજપુત કુટુંબમાં તેમનો જન્મ થયો. તેમણે બાળપણનું પ્રાથમિક તથા મિડલ સ્કુલનો અભ્યાસ પૂરો કરી માધ્યમિક શાળાનો અભ્યાસ કરવા રાજપીપળા આવ્યા. મેટ્રિક પાસ કર્યું પણ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત રહ્યા પરંતુ રાજપીપળા વિસ્તાર તેમનું કાયમી કાર્યક્ષેત્ર કર્મભૂમિ બન્યો દારુણ ગરીબી જોઈ અનુભવી તાડીના પીઠાની નોકરી સ્વીકારી રાજપીપળા સ્ટેટમાં રજવાડામાં કામ કર્યું પછી છાત્રાલયના ગૃહપતિ બન્યા પરંતુ તેમના સ્વતંત્ર અને નીડર સ્વભાવને કારણે નોકરીના બંધન ન રુચ્યા અને શિક્ષણ આપવાનું કામ શરૂ કર્યું.

રાજપીપળા સ્ટેટમાં તે સમયે ચાલતી વટાળ પ્રવૃત્તિ રોકવા ઝુંબેશ શરૂ કરી અને સમાજ સેવાના કાર્યને જીવનમાં વણી લીધું ‘‘જીવન એટલે ઝંઝાવાત’’ ગળથૂંથીમાં જ આ મહાયંત્ર તેમને મળ્યો. ‘જનસેવા એજ પ્રભુ સેવા’ ના સિદ્ધાંતોને સાકાર કરવામાં સમગ્ર જીવન ખર્ચ્યું ‘‘બદલો આ સમાજ’’ના નારા સાથે સમાજમાં પ્રચલિત કુરૂઢિઓ-બંદીઓ દુષણોને દૂર કરવા કમરકસી ‘જનગણ’ અને ‘રાજપૂત’ નામના પાક્ષિકો દ્વારા સમાજ સુધારણાના પ્રયાસો અને પ્રયત્નો આદર્યા.

‘ફુત્કારે ફણીધર તોય મારે ફોરવું’ માનવતાના આ આધ્યાત્મવાદના સુર સાથે તાલ મિલાવી સેવાની કોઈપણ પ્રકારના ભેદભાવ રહિતની માનવસેવાની મહેકથી આચ્છાદિત ધૂપસળી જીવન વ્યવહારએ સદગતનો યથાર્થન્મિલિત આદર્શ હતો.

 

મિલનસાર સ્વભાવ, તિક્ષ્ણ વ્યવહાર બુદ્ધિ, સતત જાગૃતિ સાથે પ્રમાણિક ધ્યેયનિષ્ઠા, સખત પુરુષાર્થ, આડંબરહિત વ્યવહાર, નિસ્વાર્થ સેવાભાવ અને હૂંફાળો પ્રેમએ તેમના જીવનના ઉજળા પાસા હતા.

 

કોઇકે કહેલું કે તેઓ પૂર્વ જન્મમાં આદિવાસી પ્રજાના રાજા હશે પરંતુ તેઓ આ જન્મમાં તો આદિવાસીઓના પ્રેમાળ વાલી ગાર્ડીયન બની આશ્રમશાળામાં શિક્ષણ વિના મુલ્યે આપતા રહ્યાં છે.

સ્વાતંત્ર્ય ચળવળોમાં સક્રિય રહ્યા અને રાજપીપળામાં આઝાદી પૂર્વે ચાલતી પ્રવૃત્તિમાં મહત્વનું યોગદાન આપતાં દેશ સ્વતંત્ર થયો અને ગરીબ આદિવાસી ખેત શ્રમિકોને ચૂસી નાખતી જાગીરદારી પ્રથા સામે જાગૃતિ આણવા ગણોતધારાનો મર્મ આદિવાસીઓને સમજાવ્યો શ્રી હરિસિંહ અને રત્નસિંહ ‘મહિડાબંધુ’ની બેલડીએ હિંમતપૂર્વક જાગીરદારો સામે બાથભીડી અને સ્થાપિત હિતોએ પોતાની લાગવગના જોરે સરકારી અધિકારી કલેકટર પાસે ખોટી વિગતો રજૂ કરી આ બેલડીને સામ્યવાદીનું લેબલ લગાડી ભરૂચ જિલ્લાની હદ પર કરાવી પણ એ લાંબુ ન ચાલ્યું અને હદપારીનો હુકમ રદ થયો પુનઃ સમાજસેવા તેઓએ શરૂ કરી.

 

નાટકના તખ્તા પર ‘‘નરબંકા’’ ‘શિવ’ ‘‘મહારાણા પ્રતાપ’’ ‘સેવક’ વગેરે અવનવી ભૂમિકાઓ ભજવી લોકોમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત કર્યો. લોકહિતના આદિવાસીઓના કલ્યાણના કાર્યો શરૂ કર્યા અને સાથે-સાથે લોકહિતના કાર્યો વેગીલા બનાવ્યાં. આ કલા પ્રેમીએ લલિત કલા મંડળ સ્થાપી કલાની ઉપાસના કરી-કલાના માધ્યમ દ્વારા રાષ્ટ્રપ્રેમ કેળવવા દૂષણોથી દૂર થવા ફરજ પ્રત્યે સભાન થવા લોકોને જાગૃત કર્યા શ્રી માધસિંહ બારોટ, શ્રી હરિસિંહ અને રત્નસિંહ મહિડા આ ત્રિપુટી જીવનભર યાદ રહે તેવી છે. ‘‘જનગણ’’ તંત્રી બની સામાજિક દુષણો દૂર કરવા કમર કસી.

 

વાલીયા તાલુકાના પ્રોજેક્ટ ઓફિસર તરીકે માનદ સેવા આપી. રાષ્ટ્ર સેવાનો ઉમદા દ્રષ્ટાંત પૂરું પાડ્યું. સમાજસેવાના ઉંમરે આવી તેમણે રાજકીય કારકિર્દી શરૂ કરી પણ રાજકારણ કરતાં સમાજસેવા અને તેમાંય અજ્ઞાન, કંગાળ અને બિચારાં, બાપડાં આદિવાસીઓની સેવાને જીવનનો મહામંત્ર બનાવ્યો.

 

ગરીબીમાં ઉછર્યા, ગરીબોના હૃદય હચમચાવી નાખે તેવા અનુભવ કર્યા, જાતે નજરે જોયા અને પરિણામએ આવ્યું કે, સદગતને ગરીબોના આસું લૂંછવામાં તેમના ભૂખ્યા પેટને ઠારવામાં સમગ્ર જીવન ખર્ચી નાખ્યું. કોઈની પણ ગરીબી તેમનાથી જોઈ શકાતી નહીં.

 

સ્વ. શ્રી રત્નસિંહજી સ્વ. શ્રી ડાહ્યાભાઈ નાયકના ભીલ સેવા મંડળ દાહોદના સંપર્કમાં આવ્યા તેમાંથી પ્રેરણા લઇ માર્ગદર્શન મેળવી રાજપીપળાના દૂર-દૂરના પછાત વિસ્તારમાં અને રાજપીપળા તળમાં આશ્રમો, બાલવાડીઓ, આશ્રમશાળાઓ, કુમાર-કન્યા વગેરેને ભરૂચ જિલ્લા આદિવાસી સેવાસંઘની સ્થાપના કરી, તરછોડાયેલા આદિવાસીઓની શિક્ષણ ભૂખ સંતોષવા તેમણે રાજપીપળા, ડેડીયાપાડા, સાગબારા વગેરે પછાત વિસ્તારોમાં શાળાઓ શરૂ કરી. રાજપીપળા આર્ટસ એન્ડ સાયન્સ, કોમર્સ કોલેજ તથા સ્ત્રી અધ્યાપન મંદિર, કન્યા કેળવણી માટે સંસ્થાઓ શરૂ કરી.

 

ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના થઈ અને ૧૯૬૩માં નાંદોદ તાલુકા પંચાયતના તેઓ પ્રમુખ બન્યા. ૧૯૬૭માં ફરીથી નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખપદે સર્વાનુંમતે બિનહરીફ ચૂંટાયા આ સમયગાળામાં સદગત સ્વ. રત્નસિંહજીએ સેવાના અનેક કાર્યો કર્યા જેવા કે, આરોગ્ય કેન્દ્ર, મહિલા મંડળની સ્થાપના, સાર્વજનિક મેડિકલ, ચેક-અપ કેમ્પ, અનાજ બેંક વગેરે કાર્યો કરીને તાલુકાની કાયાપલટ કરવાનો યશ મેળવ્યો.

 

૧૯૭૩માં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખપદે બિનહરીફ ચૂંટાયા મૃત્યુ સુધી આ પદે વારંવાર ચૂંટાયા, ટાટા હોસ્પિટલમાં રહી વગર પ્રચારે જિલ્લા પંચાયતના સભ્યપદે અને પ્રમુખપદે બિનહરિફ ચૂંટાયા અને તેમની કાર્યક્ષમતા અને લોક સેવા તથા લોકચાહનાની પારાશીશી છે. જિલ્લા પંચાયતના અધ્યક્ષપદે રહી તેમણે ત્રણ-ચાર મેડિકલ કેમ્પ, સર્જીકલ કેમ્પનું આયોજન કર્યું હતું અને દુઃખ દર્દથી પીડાતી નિઃસહાય પ્રજાને આરોગ્ય સેવા પ્રદાન કરવામાં સહાય કરી હતી.

 

સ્વભાવે મૃદુ પણ શિસ્તપાલન માટે આગ્રહી, કડક, નિરંતર કામ કરવાની ઉત્કંઠા, પ્રેમાળ, હસમુખો સ્વભાવ અને સાથી કાર્યકરો તેમજ હાથનીચેના કર્મચારીઓ પ્રત્યેની નિઃસ્વાર્થ, મમતા, વફાદારી અને કાર્યશક્તિની કદર કરનારા એવા તો અનેક ગુણો તેમના સમગ્ર જીવન દરમ્યાન વિદ્યમાન હતાં.

 

શિક્ષણની કદર તેમના હૈયે હતી. વિદ્વાનોને સન્માનવા અને રાજપીપળા શૈક્ષણિક જગતનું ગૌરવ વધારવા છેલ્લે-છેલ્લે તેમણે નવેમ્બર ૧૯૮૦માં ગુજરાત ઇતિહાસ પરિષદનું છઠ્ઠું જ્ઞાનસત્ર બોલાવ્યું અને યજમાન બનવાનો લ્હાવો લીધો સમગ્ર કાર્યક્રમમાં સંપૂર્ણ હાજર રહી વિદ્વાનોની રસપાન કરી તૃપ્ત થયા.

તેમના જીવનની સેવાની અનેક પ્રવૃત્તિઓના અનેક પાસાં આંખે ઉડીને વળગે તેવા રહ્યાં છે પરંતુ સૌથી વિશેષતાતો તેઓ સજ્જન માનવી હતાં. માનવી તરીકે રહીને જનસેવા કરી. જીવ્યા અને મૃત્યુ પર્યંત પરોપકારનું કાર્ય કર્યું. જેની સુવાસ આદિવાસી લોકો તેમજ અન્ય સમાજમાં પણ ધૂપસળીની જેમ આજે પણ મહેકી રહી છે. રાજપીપલા નગરપાલિકાએ શહેરના મુખ્ય માર્ગને રત્નસિંહજી માર્ગ નામ આપીને તથા તેમની પ્રતિમા જનનાયક માર્ગ આપી ફરજ અદા કરી છે લોકો આજે પણ કરેલા કાર્યોને પ્રેમથી યાદ કરે છે. તેમના કદરના ભાગરૂપે તેમના દીકરાની દીકરી વિરાજકુમારી મહિડાએ આ સ્મૃતિ કાયમ જળવાઈ રહે સેવાનો યજ્ઞ નિરંતર પ્રજ્વલિત રહે તેવા ભાવ સાથે રત્નસિંહજી એવોર્ડની પ્રથમ શરૂઆત કરી છે અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે ૧૨ મી એપ્રિલ- ૨૦૨૫ના રોજ આ એવોર્ડ આદિવાસી ક્ષેત્રમાં કામ કરતા લોકોને જાહેર કરી અર્પણ કરાશે જે એક માઈલ સ્ટોન બની રહેશે.

 

સ્વ. રત્નસિંહજી મહિડાની કારકિર્દીની તવારીખ

જન્મ તારીખ – ૨૦-૭-૧૯૧૫

પ્રાથમિક શિક્ષણ – ૧૯૨૧

માધ્યમિક શિક્ષણ – ૧૯૨૬

ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ – ૧૯૩૦

મેટ્રીક્યુલેશન – ૧૯૩૫

રાજપીપળા સ્ટેટની નોકરી – ૧૯૩૬

નોકરી છોડી – ૧૯૪૦

કોચિંગ ક્લાસીસ શરૂ કર્યો – ૧૯૪૨

સામાજિક માર્યોની શરૂઆત – ૧૯૪૨

રાજકારણમાં પ્રવેશ – ૧૯૪૪-૪૫

ભીલ સેવા મંડળનું સભ્યપદ મેળવ્યું – ૧૯૪૬

રાજપીપળા લોકસભાની પ્રવૃતિમાં પડ્યા – ૧૯૪૬-૪૭

જિલ્લામાંથી હદપાર કરાયા – ૧૯૫૦

આશ્રમોની શરૂઆત કરી – ૧૯૫૧-૫૨

વાલિયાના પ્રોજેક્ટ ઓફિસર બન્યા – ૧૯૫૪-૫૬

ભરૂચ જિલ્લા આદિવાસી સેવાસંઘના સેક્રેટરી બન્યા – ૧૯૫૭

હાઇસ્કૂલ શરૂ કરી – ૧૯૫૯

કોલેજ શરૂ કરી – ૧૯૬૨

કોમર્સ કોલેજ શરૂ કરી – ૧૯૭૦

નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા – ૧૯૬૩-૬૭

ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા – ૧૯૭૨/૭૬/૮૦

દેવલોક પામ્યા – ૨૧-૩-૧૯૮૧

 

આવા લોક સેવક જનનાયકને સલામ સાથે વંદન.

Back to top button
error: Content is protected !!