નર્મદા કલેક્ટર એસ. કે. મોદીએ ગણેશ વિસર્જન સંદર્ભે કાયદો અને વ્યવસ્થાને લઈને બેઠક યોજી
ગણેશજીની મૂર્તિનું વિસર્જન કૃત્રિમ જળાશયોમાં થાય તે અંગે આયોજન ગોઠવવા કલેક્ટર શ્રી મોદીએ રચનાત્મક સૂચનો આપ્યા
કુદરતી જળાશયોમાં ગંદકી ન ફેલાય તેવા ઉમદા ભાવ સાથે કૃત્રિમ ગણેશ વિસર્જન કુંડનું નિર્માણ કરાશે
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ગણેશ વિસર્જન તથા આગામી પર્વોને ધ્યાને લઈને કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તેવા આશય સાથે કલેક્ટર એસ. કે. મોદીએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતેથી તમામ તાલુકાઓના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ વિભાગ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી.
કલેક્ટર મોદીએ વિસર્જન દરમિયાન નક્કી કરાયેલા વિસર્જન સ્થળે બેરિકેટિંગ, રૂટ, ટાઈમ સ્લોટ, ડીજે, લોકોની સલામતી, જાહેર માર્ગો પર આવતા વીજ તારના સંપર્કમાં કોઈ ન આવે તે અંગે તકેદારી, દિશાનિર્દેશો મુજબ કૃત્રિમ તળાવોમાં ગણેશ વિસર્જન થાય, કાયદાની અમલવારી થાય અને પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે બેઠકમાં ઉપસ્થિત સંબંધિત અધિકારીશ્રીઓ-કર્મચારીઓને માર્ગદર્શન પુરુ પાડીને સુચારૂ આયોજન બાબતે કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગણેશ વિસર્જન પહેલા આયોજકો, મંડળોનો સંપર્ક કરવા તથા રૂટ નીરિક્ષણ કરીને પર્યાવરણ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ પણ સભાખંડમાં ઉપસ્થિત અધિકારીઓ અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને પોલીસ વિભાગના જવાનોને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
જિલ્લાના શહેરી-ગ્રામીણ લોકોએ ગણેશોત્સવની ઉજવણી સંપૂર્ણ શ્રદ્ધાભાવ સાથે કરી છે, ત્યારે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ગણેશજીના સર્વે ભક્તો તથા નગરજનોને કૃત્રિમ તળાવોમાં જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા અનુરોધ કર્યો છે.
આ બેઠકમાં સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, મદદનીશ પોલીસ અધિક્ષક લોકેશ યાદવ નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) એન.એફ.વસાવા, નાંદોદ પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવી, નાંદોદના મામલતદાર પદમાબેન ચૌધરી, નાંદોદ તાલુકા વિકાસ અધિકારી અંજલીબેન ચૌધરી, નગરપાલિકા ચીફ ઓફિસર રાહુલભાઈ ઢોડિયા ઉપસ્થિત રહ્યાં હતા.