NANDODNARMADA

નર્મદા: રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં મહિલા અધિકારીઓએ તમામ ટુકડીઓનું નેતૃત્વ કરી નારી સશક્તિકરણની ઝાંખી કરાવી

નર્મદા: રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં મહિલા અધિકારીઓએ તમામ ટુકડીઓનું નેતૃત્વ કરી નારી સશક્તિકરણની ઝાંખી કરાવી

 

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

લોખંડી પુરૂષ, દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ભારતીય સંરક્ષણ દળ દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકતા પરેડમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને રાજ્ય પોલીસ દળો તેમના કૌશલ્ય, શિસ્ત અને બહાદુરીનું અદ્દભૂત પ્રદર્શન કર્યુ હતું.

 

રાષ્ટ્રીય એકતા દિવસની પરેડની ટુકડીઓની આગેવાની નારીશક્તિએ નિભાવી હતી. પ્રથમ ગુજરાતની નારીશક્તિ ગુજરાત કેડરના એસપી સુમનલાલાએ પરેડની આગેવાની લીધી હતી. ત્યારબાદ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF), ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) અને સશસ્ત્ર સીમા બળ (SSB) ની ટુકડીઓ ઉપરાંત આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, કેરળ, આંધ્રપ્રદેશના પોલીસ દળો, એનસીસીની ટુકડીઓની આગેવાની મહિલાઓએ લીધી હતી.

 

પરેડમાં મહિલા પોલીસ અધિકારી-કર્મચારીઓની ભાગીદારી પણ દર્શનીય હતી. વડાપ્રધાનને આપવામાં આવેલા ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ એક મહિલા અધિકારીએ કર્યું હતું. આમ, એકતા પરેડમાં મહિલા અધિકારીઓએ તમામ ટુકડીઓનું નેતૃત્વ કરી નારી સશક્તિકરણની ઝાંખી કરાવી હતી.

 

બોક્સ

 

રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં સ્વદેશી શ્વાનોનું અદ્દભુત ગૌરવનું પ્રદર્શન

 

એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડમાં ભારતીય શ્વાનોનું અદભુત પ્રદર્શન જોવા મળ્યું હતું. દેશની સીમા સુરક્ષાને મજબુત બનાવવા માટે સીમા સુરક્ષા બળના રાષ્ટ્રીય શ્વાન કેન્દ્ર દ્વારા ભારતીય નસ્લના શ્વાનોને પ્રશિક્ષણ આપીને તાલીમબદ્ધ કરાયા છે. ઉત્તરપ્રદેશના રામપુરા અને મહારાષ્ટ્રના દેશી નસ્લના શ્વાનોને તાલીમબદ્ધ કરીને સુરક્ષા દળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શ્વાનોએ ૧૮ ફુટની દિવાલ જમ્પ, ૨૦ ફુટના દાદરની ચડાઈ, આંખો બંધ કરીને પુલોને પાર કર્યા હતો. પહાડી રસ્તાઓ આગળ વધવા માટે તાલીમ અંગે પ્રદર્શન રજુ કર્યું હતું. સ્વદેશી શ્વાનોની જાતિઓ – રામપુર શિકારી શ્વાનોએ તેમની કુશળતા દર્શાવી હતી. આ જાતિઓએ BSF કામગીરી દરમિયાન બળ ગુણાકાર તરીકે નોંધપાત્ર યોગદાન આપીને આત્મનિર્ભર ભારતની ભાવનાને મૂર્તિમંત કરી હતી. ભારતની આત્મનિર્ભરતા, સ્વદેશી ગૌરવ અને રાષ્ટ્રીય ગૌરવ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક શક્તિશાળી ઉદાહરણ પૂરૂ પાડયું હતું.

 

બોક્સ

 

એકતા પરેડમાં જોધપુરથી બાવન ઊંટ સાથે આવેલી બીએસએફની બે ટુકડી એકતા પરેડમાં ભાગ લઈને આકર્ષણ જમાવ્યું

 

સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વના દિવસે દિલ્લીમાં યોજાતી પરેડમાં કે અન્ય મહાનુભાવોના સ્વાગત સમયે કરતબ પ્રદર્શિત કરતી કેમલ કન્ટીન્જન્ટ એકતા પરેડમાં પણ ભાગ લઈને આકર્ષણ જમાવ્યું હતું. ઊંટ સવારની લાંબી મૂછો, કેસરી સાફા સાથેના વસ્ત્ર પરિધાનને કારણે આ ટૂકડી પરેડ દરમિયાન અલગ તરી આવી હતી. કેમલ કેવેલરીમાં જેસલમેરી અને બિકાનેરી ઊંટ થયા સામેલ થયા હતા. એકતા નગર ખાતે કુલ ૫૨ ઊંટ સાથેની કેમલ કન્ટીન્જન્ટે ભાગ લીધો હતો.

 

 

બોક્સ

 

રાજ્યોની સિધ્ધિઓ દર્શાવતા એકત્વની થીમ સાથેના ૧૦ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું

 

એકતા પરેડમાં વિવિધતામાં એકતાના સંદેશ સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૦ ટેબ્લો પણ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.ટેબ્લો પરેડમાં ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલો અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

ગુજરાતના ટેબ્લોનો મુખ્ય ભાગ દેશની તે ઐતિહાસિક ક્ષણને દર્શાવી હતી. જ્યારે સરદાર સાહેબે મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કરકમલોથી ભાવનગર સ્ટેટનું ભારતીય ગણરાજ્યમાં વિલીનીકરણ કરાવીને દેશની એકતાના મિશનનો મજબૂત પાયો નાખ્યો હતો. બન્ને મહાનુભાવોની પ્રતિમા સાથેનો ટેબ્લોએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો અનેરો સંદેશો આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!