JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૧૧૦ મોડલ ફાર્મ : પ્રાકૃતિક કૃષિના નવા ૧૩૦ ફાર્મ બનાવવામાં આવશે

મોડલ ફાર્મના માધ્યમથી પ્રાકૃતિક કૃષિના પ્રત્યક્ષ લાભોની મળે છે જાણકારી : ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશેના મૂંઝવતા પ્રશ્નોનું પણ થતું સમાધાન

…..

જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બનાવવા માટે ખેડૂતોને રુ.૧૧.૪૬ લાખની સહાય ચૂકવવામાં આવી

…….

જૂનાગઢ તા.૨૫, જુલાઈ ૨૦૨૪ (ગુરુવાર) જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૧૧૦ મોડલ ફાર્મ બની ચૂક્યા છે અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૩૦ નવા મોડલ ફાર્મ બનાવવામાં આવશે. એક રીતે આ મોડેલ ફાર્મ પ્રાકૃતિક કૃષિના પ્રેરણા પરબ પણ બન્યાં છે. આ મોડલ ફાર્મમાં પ્રાકૃતિક ખેતીના આધાર સ્તંભોને અનુસરીને અને પ્રાકૃતિક કૃષિના આદર્શોને કેન્દ્રમાં રાખી પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. આમ, મોટી સંખ્યામાં ખેડૂતો આ મોડલ ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે સમજ મેળવી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત થઈ રહ્યા છે.

આ સંદર્ભે જૂનાગઢ જિલ્લા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી દીપક રાઠોડ કહે છે કે, જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સતત જુદાં-જુદાં સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પ્રત્યક્ષ લાભોની જાણકારી મળી રહે અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરણા મળે તે માટે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવે છે. આ દરમિયાન પ્રાકૃતિક કૃષિ વિશેના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિને લગતા પ્રશ્નો કે પદ્ધતિ અપનાવાવ પૂર્વે મૂંઝવતા પ્રશ્નોનું પણ સમાધાન મળે છે. જૂનાગઢ જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિની મુહિમ ખૂબ તેજીથી આગળ વધી રહી છે અને હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના મીઠાં ફળ ચાખ્યાં છે.

મોડલ ફાર્મનો દરજ્જો પ્રાકૃતિક કૃષિના આધાર સ્તંભ છે તેવા જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, બીજામૃત, મિશ્ર પાક પદ્ધતિ વગેરે માપદંડો પર ખરાં ઉતરે છે, ઉપરાંત પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત ખેતી હોવાથી ખેડૂતો ગાયોનું પાલન પોષણ કરી શકે છે. એટલે કે, જે ખેડૂતો ગાય રાખતા હોય અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના તમામ આયામોનો ઉપયોગ કરીને ખેતી કરતા હોય તેમના ફાર્મને મોડેલ ફાર્મ જાહેર કરવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે જરુરી માર્ગદર્શન આપવાની સાથે સમયાંતરે સમીક્ષા પણ કરે છે. આમ, જિલ્લા પ્રાકૃતિક ખેતી માટે સાનુકૂળ પરિબળો છે, તેમ શ્રી દીપક રાઠોડે ઉમેર્યુ હતુ.

ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ વિકસાવવા માટે ખેડૂતોને રુ.૧૩,૫૦૦ની સહાય પણ આપવામાં આવી રહી છે, જૂનાગઢ જિલ્લામાં ૯૫ ખેડૂતોને મોડલ ફાર્મ બનાવવા માટે કુલ રૂપિયા ૧૧.૪૬ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

આ સહાય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ઘન જીવામૃત બનાવવા માટે પાકું સ્ટ્રક્ચર બેરલ ડોલ વગેરે ખરીદવા માટે આપવામાં આવે છે.   ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને આત્મા પ્રોજેક્ટની ટીમ દ્વારા સતત જરુરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, તેમ શ્રી દીપક રાઠોડે જણાવ્યુ હતુ.

    જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની મુહિમને આગળ વધારવા માટે ટીમ આત્મા સતત ખેડૂતો વચ્ચે જઈ જહેમત ઉઠાવી રહી છે.

Back to top button
error: Content is protected !!