
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા-૨૧ ઓક્ટોબર : કચ્છના નાયબ માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસિયાને બઢતી સાથે બદલી મળતા જિલ્લા માહિતી કચેરી ભુજ ખાતે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મિતેષ મોડાસિયાને નાયબ માહિતી નિયામક ભુજ કચ્છમાંથી સંયુક્ત માહિતી નિયામકશ્રી રાજકોટ તરીકે પ્રમોશન મળ્યું છે. આજરોજ જિલ્લા માહિતી કચેરી ભુજના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ શ્રી મિતેષ મોડાસિયાને ભાવભર્યું વિદાયમાન આપ્યું હતું. નાયબ માહિતી નિયામકશ્રી તરીકે શ્રી મિતેષ મોડાસિયાના કચ્છના પાંચ વર્ષના કાર્યકાળને બિરદાવીને જિલ્લા માહિતી કચેરીના તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા માહિતી કચેરી ભુજના સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવાએ નાયબ માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસિયાના કાર્યકાળ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર સાથેના સંકલન અને મીડિયા મેનેજમેન્ટની કામગીરીની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે, શ્રી મિતેશ મોડાસિયાએ સરકારના વિવિધ કાર્યક્રમોમાં કૂનેહથી મીડિયા મેનેજમેન્ટ કરીને રાજ્ય સરકારના પ્રચાર પ્રસારની કામગીરી સુપેરે નિભાવી છે. વિદાય પ્રસંગે શ્રી પેડવાએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રી મિતેશ મોડાસિયાની આગેવાનીમાં કચ્છ જિલ્લા માહિતી કચેરીએ એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા શ્રી મિતેષ મોડાસિયાનું કચ્છી શાલ અને પુસ્તક અને વિવિધ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સૌ કર્મચારીશ્રીઓએ નાયબ માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસિયા સાથેની કામગીરીના સંસ્મરણોને વાગોળીને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.આ પ્રસંગે શ્રી મિતેષ મોડાસિયાએ જણાવ્યું હતું કે, જિલ્લા માહિતી કચેરીના તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ તેમના પાંચ વર્ષ જેટલા લાંબા સમયગાળા દરમિયાન અનેક મહત્વના આયોજનોમાં સુચારું રીતે કામગીરીની જવાબદારી નિભાવી છે. ટીમ વર્કનો ઉલ્લેખ કરીને શ્રી મિતેષ મોડાસિયાએ જણાવ્યું હતું કે, આજની ટેક્નોલોજીની ચેલેન્જીસ વચ્ચે ટીમવર્કથી કામ કરીને સમયમર્યાદામાં સરકારના પ્રચાર પ્રસારની કામગીરી જિલ્લા માહિતી કચેરીએ કરી છે. કચ્છીમાડુઓના સ્નેહને બિરદાવીને કચ્છ જિલ્લાના તમામ મીડિયાકર્મીઓનો શ્રી મિતેષ મોડાસિયાએ આભાર માન્યો હતો. નાયબ માહિતી નિયામકના કાર્યકાળ દરમિયાન સાથ, સહકાર અને પરિવારની માફક હૂંફ આપવા બદલ સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસિયાએ સૌ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ તેમજ મીડિયાકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી મિતેષ મોડાસિયાએ પોતાની કારકિર્દીની શરૂઆત પણ કચ્છ જિલ્લામાંથી જ કરી હતી. વર્ષ ૧૯૯૬માં શ્રી મિતેષ મોડાસિયા કચ્છના ભુજ ખાતે આકાશવાણી રેડિયો કેન્દ્ર ખાતે સેવામાં હાજર થયા હતા. કચ્છમાં વિનાશક ભૂકંપના વર્ષ ૨૦૦૧ સુધી શ્રી મિતેષ મોડાસિયાએ ભુજ આકાશવાણી કેન્દ્રમાં ફરજ બજાવી હતી. ત્યારબાદ તેઓએ આકાશવાણી કેન્દ્ર રાજકોટ, આહવા વગેરે જગ્યાએ પોતાની સેવા આપી હતી. વર્ષ ૨૦૧૯માં શ્રી મિતેષ મોડાસિયાની પસંદગી ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં થતા તેઓ ગાંધીનગર માહિતી નિયામકશ્રીની કચેરીમાં આર.આર. શાખામાં જોડાયા હતા. જે બાદ ડિસેમ્બર, ૨૦૧૯થી શ્રી મિતેષ મોડાસિયા કચ્છ જિલ્લામાં નાયબ માહિતી નિયામકશ્રી તરીકે બજાવી રહ્યા હતા. તાજેતરમાં શ્રી મિતેષ મોડાસિયાને નાયબ માહિતી નિયામકશ્રીમાંથી સંયુક્ત માહિતી નિયામકશ્રી રાજકોટ ખાતે બઢતી સાથે બદલી મળી છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓએ શ્રી મિતેષ મોડાસિયાને રાજકોટ ખાતે બઢતી મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ વિદાયમાન પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષકશ્રી એ.જે.ખત્રી અને સિદ્દિક કેવર, સીનિયર સબ એડિટરશ્રી ગૌતમ પરમાર, માહિતી મદદનીશશ્રી જિજ્ઞા વરસાણી, આકાશવાણી ભુજના અધિકારીશ્રી ભરતભાઈ ચતવાણી તેમજ કચેરીના કર્મચારીશ્રીઓ, પૂર્વ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.







