GUJARATKUTCHMANDAVI

બોર્ડ પેપર ચેકિંગ ભૂલો અંગે કરાતા અનેકગણા દંડ બાબતે એ.બી.આર.એસ.એમ. ગુજરાતની પરીક્ષા નાયબ નિયામકને લેખિત રજૂઆત.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૯ જાન્યુઆરી : નાયબ નિયામક શ્રી (પરીક્ષા), મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને SSC/HSC માં પેપર ચેકિંગની ભૂલો દર્શાવ્યા વિના શિક્ષકોને કરાતા અન્યાયી અને આકરા દંડ બાબત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રજૂઆત કરાઈ.આ વર્ષે ધણા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર પરિક્ષણનુ કાર્ય કરનાર શિક્ષક મિત્રો પાસેથી કોઇપણ પ્રકારના ભૂલોના પુરાવા દર્શાવ્યા કે આપ્યા વિના વધુ પડતો અને અન્યાયી દંડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વસુલવામાં આવી રહ્યો છે જે ખરેખર અન્યાયી અને અમાનુષી છે.કદાચ જો પેપર ચેક કરવામાં ક્ષતિ થાય છે, તો તેના માટે પણ ધણા કારણો અને પરિબળો જવાબદાર છે.પેપર ચેકીંગ દરમિયાન જો પૂરી ટીમ બનતી નથી તો પણ પૂરી ટીમ જેટલા જ પેપર અધુરી ટીમને આપવાથી કામનું ભારણ વધતા પેપર તપાસવામાં ભૂલોની શક્યતા વધે છે, જે માટે પેપર ચેક કરનાર જવાબદાર નથી.દંડ પેટે શિક્ષક પાસેથી પેપર તપાસવામાં આપેલ મહેનતાણા કરતા ૧૦૦૦ ગણી વધુ રકમની વસૂલાત કરવામાં આવે છે. જેનો દર ઘટાડવો જોઈએ કારણ કે શિક્ષકોની આ તમામ પેપર ચકાસવાની આવકની સાપેક્ષમાં દંડ ખૂબ જ વધુ પડતો અને અમાનુષી છે.ઘણી વખત શિક્ષકો જે વિષય શાળામાં ભણાવતા નથી કે તેમની મેથડ નથી તે વિષયના પેપર તપાસવાની પણ ફરજ પાડવામાં આવે છે, જેથી શિક્ષકોની ભૂલ થવાની શક્યતા વધે છે અને વિદ્યાર્થીઓને પણ અન્યાય થાય છે.

શિક્ષકોએ મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી દરમિયાન પેપર ચેકિંગમાં જે ભૂલો કરી છે તેની સોફ્ટ કોપી પણ આપવામાં આવે જેથી ભવિષ્યમાં શિક્ષક એ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખી શકે તેમજ ભૂલની ખાતરી પણ થાય, આવુ કરવુ યથા યોગ્ય અને પારદર્શિતામય પણ રહેશે.વળી, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પેપર ચેકિંગની ટીમ ની સભ્ય સંખ્યામાં સુધારણા કરી ફક્ત વેરીફાયરનું અને ગુણ ચકાસણીનું કાર્ય કરે તેવા વહીવટી સહાયક ની નિમણૂક કરાવવામાં આવે તો શિક્ષક મિત્રો પેપર ચેકિંગ પર પૂરતુ ધ્યાન કેન્દ્રીત કરી શકશે, આ પ્રકારનુ પગલુ વિધાર્થી અને શિક્ષક બન્નેના હિતમાં હશે. આ વિષય અનુસંધાને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતે નાયબ નિયામકશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.

Back to top button
error: Content is protected !!